ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેનાના યુવા અધ્યક્ષ દેવરાજ રાઠોડના હસ્તે મહારાણા પ્રતાપ”અન્નક્ષેત્રનો પ્રારંભ
આભના ઓવારણાં લઈ વાદળો સાથે વાતો કરતા ગરવા ગિરનાર કે જ્યાં દત્ત, દાતાર,નરસૈયાની તપોભૂમિની ગોદમાં દર વર્ષે મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. જેમાં કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેના દ્વારા રૂદરેશ્વર ઈન્દ્ર જાગીર ભારતી બાપુના ગેઈટની પાસે અઢારેય વરણ માટે”મહારાણા પ્રતાપ સાર્વજનિક અન્નક્ષેત્ર” ભવનાથ ખાતે ચલાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત પાંચ દિવસ સુધી હરહર (ભોજન) ચાલુ રહેશે.કોઈપણ જાતના ભેદભાવ વગર અઢારે વરણની આસ્થાનું કેન્દ્ર આ અન્નક્ષેત્ર બન્યું છે.
મહારાણા પ્રતાપ અન્નક્ષેત્ર કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેનાના યુવા અધ્યક્ષ દેવરાજ રાઠોડના વરદહસ્તે દબદબાભેર ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું જેમાં ગાડલીયા લુહાર સમાજ ના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ અન્નક્ષેત્રના ગાદીપતિ તરીકે ગાડલીયા લુહાર સમાજ ના સંત સુંદરદાસ બાપુ બિરાજમાન છે. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે લાલા પરમાર, પ્રવિણ રાઠોડ, માનસિંગ બારડ,વનરાજ સોલંકી,સહીતના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.