-
હિંમત,બહાદુરી અને ધૈર્યને સલામ….શક્તિ સ્વરૂપા એ નારીના મક્કમ ઈરાદાને સલામ
-
નિયતિ સામે બાથ ભીડી યુએસએમાં આર્ટિફિશિયલ લેગથી મેરેથોનમાં ભાગ લઈ જીવનમાં જીત મેળવી ધરાબેન શાહે
-
બંને પગનો ગોઠણથી નીચેનો ભાગ, કોણીથી નીચે જમણો હાથ અને ડાબા હાથની આંગળીઓ દૂર કરાઈ,દસ મહિનાનો દીકરો પણ દુનિયા છોડી ગયો છતાં હાર્યા નહિ ધરાબેન શાહ
દીકરીનો જન્મ થાય, પાપા પગલી ચાલતા શીખે, શાળાએ જાય,યુવા વયે કોલેજમાં જાય અને યોગ્ય ઉંમર થતાં એક ખાનદાન,સાધન સંપન્ન પરિવારમાં લગ્ન થાય.લગ્ન પણ વિદેશમાં થાય કે જ્યાં જવાનું અનેક યુવતીઓનું સ્વપ્ન હોય.વિદેશની ધરતી પર માતૃત્વનું મધુરુ સ્વપ્ન સાકાર થાય.આનાથી વધારે એક દીકરીના માતા પિતાને શું જોઈએ? મૂળ સાવરકુંડલાના હાલ યુએસએના ટેકસાસના ડેલસમાં રહેતા ધરાબેન શાહના માતા પિતા પણ એમ જ વિચારતા હતા,પણ તેઓને ક્યાં ખબર હતી કે દીકરીનો સજાવેલો મઘમઘતો બાગ કુદરત ઉજાળી દેશે.
ધરા બેન લગ્ન કરીને સાસરે ગયા.પતિ સાથે શરૂઆતના દિવસો ખૂબ સુખમાં ગયા,બાદ થોડા સમયમાં ખુશીઓ માણે ન માણે ત્યાં જ એક પછી એક મુસીબતો આવવા લાગી, જાણે કુદરત તેમને આ ખુશીઓ માણવા દેવા તૈયાર ન હોય. લાડલા દીકરાનો જન્મ થયો પણ તબીબની એક ભૂલથી ધરાબેનને હેવી બ્લિડિંગ થવા લાગ્યું.કાન,નાકમાંથી પણ લોહી નીકળવા લાગ્યુ. હૃદય બંધ થયું અને કોમામાં જતા રહ્યા.કિડની ડેમેજ થઈ,ફેફસામાં પાણી ભરાયુ,ગર્ભાશય પણ કાઢી નાખવામાં આવ્યું.જીવ બચવાના ફક્ત 5 ટકા ચાન્સ હતા.બ્લડ મોડું ચડાવ્યું તેના કારણે ઝીણી ઝીણી નસો સુધી ન પહોંચવાના કારણે ગેંગરિંગ થઈ ગયું. બંને પગનો ગોઠણથી નીચેનો ભાગ, કોણીથી નીચે જમણો હાથ અને ડાબા હાથની આંગળીઓ દૂર કરવી પડી. હેવી મેડિસનના ડોઝ,સ્કિન સર્જરી સહિત અનેક સર્જરીઓ પછી સાડા ચાર મહિને તેઓ ઘરે આવ્યા. દીકરા માહિરનું સ્મિત જોઈને પોતાની પીડા ભૂલી જવાનું નક્કી કર્યું ,પરંતુ કુદરતની ખરી કસોટી હજુ બાકી હતી.દીકરાને જીનેટિક ડીસ ઓર્ડરની બીમારી આવી.હવે દીકરો થોડા દિવસો,મહિનાઓનો જ મહેમાન હતો.પોતાના પગ પર ઊભા ન રહી શકતા ધરાબેન અને પતિ સિદ્ધાર્થભાઈ એ આ સમયને મનભરીને જીવી લેવાનું નક્કી કર્યું અને એક દિવસ દીકરો ખોળા માં હસતો રમતો દુનિયા છોડી ચાલ્યો ગયો,ત્યારે એમ થાય કે આવા લેખ લખતા વિધાતાની કલમ ધ્રુજી નહિ હોય?
આફતનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દુઃખનો સામનો કર્યો ત્યારબાદ વિધાતાના લખેલા લેખને જાણે ધરાબેન પડકારતા હોય આર્ટિફિશિયલ લેગની મદદ થી ચાલવાનું શરુ કર્યું.ઘરના નાના મોટા કામ,રસોઈ સહિતની પ્રવૃત્તિઓ કરવાની પ્રેક્ટિસ કરવા લાગ્યા એટલું જ નહિ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ તેઓએ મેળવી લીધું.જીવનના આ સામા પુરે તરવામાં પતિ સિદ્ધાર્થ શાહ તથા પરિવારના દરેક સભ્યોનો સાથ મળ્યો પરિણામે તેઓએ મેરેથોનમાં 5 કી.મી ચાલીને પૂર્ણ કરી.દીકરા માહિરના પ્રેમ અને યાદોને તેણીએ તાકાત બનાવી.મેરેથોન બાદ તેઓએ પોતાની રોજબરોજ ની પ્રવૃતિનો યુટ્યુબના વિડિયો બનાવ્યા છે,જેના ફોલોઅર્સ 1 લાખ 73 થી પણ વધુ થયા છે.હાલ તેઓએ રનિંગ માટેના લેગ પણ લઈ લીધા છે અને ફરીથી ડિસેમ્બરમાં તેઓ મેરેથોનમાં ભાગ લેવાના છે.તૈયારી રૂપે તેઓ દરરોજ વોકિંગ, એક્સસાઇઝ કરે છે.
નવરાત્રી સંદેશ:મહિલાઓ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે
મહિલાઓને નવરાત્રીનો સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે,” મહિલાઓ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે.જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે,હિમ્મત ન હારો.ભગવાન દુઃખ આપે છે તો સામે ઘણા રસ્તા ખોલી આપે છે.દુઃખોમાં રડશો તો એ રસ્તા દેખાશે નહિ.તમારી પાસે જે છે, જેટલું છે ત્યાંથી જ આગળ વધો.એક નવી મંઝિલ તમે પ્રાપ્ત કરી શકશો.