- ડેન્ગ્યૂ કોઈને પણ થઈ શકે છે
- ચાંદીપુરા ફક્ત બાળકોમાં જ જોવા મળે છે
- ચાંદીપુરા માખીથી ફેલાય છે અને ડેન્ગ્યૂ મચ્છરથી ફેલાય છે
દેશમાં ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ બંનેના કેસ ચોમાસાના કારણે સતત વધી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ વધુ ખતરનાક છે અને તેના કારણે અનેક બાળકોના મોત થયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. આ સાથે ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે. જો કે તેનાથી મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી. જાણકારો કહે છે કે ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુના કેટલાક લક્ષણો સમાન છે. જેના કારણે તેને ઓળખવાનું મુશ્કેલ બને છે.
શું છે ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યૂના પ્રારંભિક લક્ષણો
આ વાયરસનો ચેપ લાગે તો ખૂબ તાવ, માથાનો દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ચાંદીપુરા મગજ પર અસર કરે છે. ડેન્ગ્યુમાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી અને કોઈને પણ તાવ આવી શકે છે. જ્યારે ચાંદીપુરાના લક્ષણો બાળકોમાં જ વધુ જોવા મળે છે.
ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?
ચાંદીપુરા વાયરસ ચેપગ્રસ્ત માખી અથવા મચ્છરના કરડવાથી ફેલાય છે. આ વાયરસ બાળકના શરીરમાં પ્રવેશે છે અને પહેલા ફેફસાં પર હુમલો કરે છે અને પછી મગજમાં જાય છે. જો વાયરસ મગજને અસર કરે તો તે એન્સેફાલીટીસ જેવા ગંભીર લક્ષણોનું કારણ બને છે. આ વાયરસની કોઈ રસી કે નિયત સારવાર ન હોવાથી દર્દીનો જીવ બચાવવાનું મુશ્કેલ બને છે.
જાણો ડેન્ગ્યૂ અને ચાંદીપુરામાં શું છે ફરક
ડેન્ગ્યુથી પીડિત મોટાભાગના દર્દીઓને તાવ અને સ્નાયુઓમાં દુઃખાવો થાય છે. ડેન્ગ્યુ થોડા દિવસોમાં જાતે જ ઠીક થઈ જાય છે અને ગંભીર લક્ષણોનું કારણ નથી. જો કે, કેટલાક કિસ્સાઓમાં ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમનું કારણ બને છે. આ જીવલેણ બની શકે છે. ડેન્ગ્યુમાં શરીરમાં પ્લેટલેટ્સ પણ ઝડપથી ઘટી શકે છે. જો તે 40 હજારથી નીચે આવે તો દર્દીને ખતરો છે. ડેન્ગ્યુ અને ચાંદીપુરા વચ્ચે મોટો તફાવત એ છે કે ચાંદીપુરા વાયરસનો મૃત્યુદર ડેન્ગ્યુ કરતા વધુ રહે છે. મેનિન્જાઇટિસ ચાંદીપુરામાં મૃત્યુનું કારણ બની શકે છે. ડેન્ગ્યુમાં આવા ગંભીર લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે.
શું છે ડેન્ગ્યૂના લક્ષણો
આ બિમારીમાં દર્દીમાં સામાન્ય લક્ષણો હોય તો તે લગભગ અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જો કોઈ વ્યક્તિમાં ગંભીર લક્ષણો હોય તો તેમને ઠીક થવામાં 10 દિવસનો સમય લાગે છે. ઉલ્લેખનીય છે કે આ તાવના લક્ષણો લગભગ 7 દિવસ સુધી રહે છે.
આ ફેરફાર દેખાતા થઈ જાઓ સાવધાન
- વધારે તાવ આવવો
- વધારે પડતું માથું દુઃખવું
- આંખની પાછળ દર્દ થવું
- સાંધામાં દુઃખાવો થવો
- જીવ ગભરાવવો
- ઉલ્ટીઓ થવી
- ગળામાં સોજો આવવો
- શરીરમાં ચકામા થવા
Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.