- ઈરાનમાં લોકોએ હિજાબ વિવાદને લઈને ઉઠાવ્યો અવાજ
- હિજાબ ન પહેરવા બદલ પોલીસે 16 વર્ષની યુવતીને માર માર્યો
- યુવતીની કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં સારવાર શરૂ
ઈરાનમાં ફરી એકવાર હિજાબ વિવાદનો કિસ્સો સામે આવ્યો છે. તેહરાન મેટ્રો સ્ટેશન પાસે હિજાબ ન પહેરવા બદલ નૈતિક પોલીસે 16 વર્ષની યુવતીને માર માર્યો હતો. જેના કારણે યુવતી કોમામાં જતી રહી છે. હાલમાં તેની કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ ફરી એકવાર લોકોએ હિજાબને લઈને અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
કુર્દિશ-કેન્દ્રિત અધિકાર જૂથ હેન્ગાવે આ ઘટના અંગે જણાવ્યું હતું કે યુવતીનું નામ અર્મિતા ગરવંદ છે. તેહરાન મેટ્રો પાસે મહિલા પોલીસ અધિકારીઓ સાથે તેનો મુકાબલો થયો હતો. આ દરમિયાન પોલીસે તેને ખૂબ માર માર્યો હતો અને જેના કારણે તે ઘાયલ થઈ ગઈ હતી. હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં તે કોમામાં જતી રહી હતી. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે આ આરોપો ખોટા છે. લો બ્લડપ્રેશરને કારણે યુવતી બેહોશ થઈ ગઈ હતી. હેન્ગોએ જણાવ્યું હતું કે રવિવારના રોજ તેહરાનના શોહદા મેટ્રો સ્ટેશન પર કહેવાતા નૈતિકતા પોલીસના એજન્ટો દ્વારા પકડાયા અને શારીરિક હુમલો કર્યા પછી ગરવંદને ગંભીર ઈજાઓ થઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ લો બ્લડ પ્રેશર વિશે ખોટું બોલી રહ્યા છે.
હોસ્પિટલની બહાર કડક સુરક્ષા
લોકોમાં ગુસ્સો જોઈને સ્થાનિક પોલીસ પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેહરાનની ફજર હોસ્પિટલમાં કડક સુરક્ષા હેઠળ બાળકીની સારવાર ચાલી રહી છે. અત્યારે પીડિતાને મળવાની પરવાનગી કોઈને નથી. તેના પરિવારમાંથી પણ નહીં. મહસા અમીનીના મામલામાં ઈરાન સરકારે જોયું છે કે વિરોધ કયા સ્તરે થયો હતો. મહસા અમીનીના મૃત્યુના એક વર્ષ બાદ પણ પોલીસ ફરી આ ગડબડમાં પડવા માંગતી નથી.
મહસા અમીનીને લઈને દેશમાં હોબાળો થયો
મહસા અમીનીને હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લેવામાં આવી હતી. કસ્ટડીમાં માર મારવાને કારણે તેનું મોત થયું હતું. આ ઘટના બાદ ઈરાનમાં હિજાબનો વિરોધ શરૂ થયો હતો. કેટલાક મહિનાઓ સુધી ચાલેલા હિંસક વિરોધમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ધરપકડ કરવામાં આવી હતી. ઘણી જહેમત બાદ ઈરાન સરકારે આ પ્રદર્શનોને નિયંત્રિત કર્યા હતા.