- હિમાચલના મંડીમાં અકસ્માત
- ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકી, 4ના મોત
- ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ધન્યારા પાસે બુધવારે સાંજે એક ટેમ્પો ટ્રાવેલર ઊંડી ખીણમાં પડી હતી. જેમાં ચાર મુસાફરોના મોત થયા અને સાત અન્ય ઘાયલ થયા હોવાનુ સામે આવ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે લગ્નમાં હાજરી આપીને તેઓ પરત ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની. ટેમ્પો ટ્રાવેલર ધન્યારા પાસે 200મીટર ઊંડી ખીણમાં ખાબક્યો હતો.
ઘટના સ્થળે 4ના મોત
પોલીસે જણાવ્યું હતું કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય સાત લોકોને કોટલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલોને મંડી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતનું કારણ અકબંધ
ઘાયલોને એમ્બ્યુલન્સમાં કોટલી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ ઝોનલ હોસ્પિટલ મંડી રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. ચાર મૃતદેહો કોટલી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ઘાયલોની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. ASP મંડી સાગર ચંદ્રાએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણોની શોધ કરવામાં આવી રહી છે.