- થાન મસ્જિદ પાસેથી મળ્યું હતું બાળક
- બાળકનું અપહરણ કરીને કોઈક ત્યજી ગયું
- રાજકોટ પોલીસે બાળકને તેના માતાપિતા સુધી પહોંચાડ્યું
રાજકોટમાં એક મહત્વની ઘટનામાં એ ડિવિઝન પોલીસની માનવીય કામગીરી સામે આવી છે. મહત્વનું છે કે અહીંની થાન મસ્જિદ પાસેથી એક 6 માસનું ત્યજાયેલ બાળક મળી આવ્યું હતું. જેના માતાપિતાને શોધીને તેમને બાળક પરત આપવામાં આવ્યું હતું.
જાણકારી પ્રમાણે રાજકોટ પોલીસ એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ગઈ કાલે એક 6 માસના નાના બાળકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જેના અન્વયે પોલીસ સ્ટાફે સત્વરે કાર્યવાહી હાથ ધરી બાળકની શોધખોળ આરંભી હતી. આ મામલે પછીથી થાન મસ્જિદ પાસેથી એક ત્યજાયેલ બાળક મળી આવ્યું હતું. જેની વધુ તપાસ કરતા તે અપહ્યત બાળક હોવાની જ ખાતરી થયા પછી તેને તેના માતાપિતાને પરત સોંપવામાં આવ્યું છે.
આ મામલે વધુ જાણકારી પ્રમાણે મોચી બજાર બ્રિજ નીચેથી એક શ્રમિક દંપત્તી સૂઈ રહેલા હતા, ત્યારે કોઈ અજાણ્યા દ્વારા તેમના બાળકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેને પોલીસે શોધીને પરત તેમના માતાપિતા સુધી મેળવી આપ્યું હતું. આમ પોલીસ દ્વારા એક ગરીબ શ્રમિક માતાપિતાની મદદ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે હજુ અહીં પોલીસ અટકવાની નથી. માહિતી પ્રમાણે આ બાળકનું કોણે અપહરણ કર્યું, તેનો શું હેતુ હતો, વગેરે જેવા પ્રશ્નોની તપાસ માટે બાળકનું અપહરણ કરનારની શોધખોળ હજુ ચાલુ છે. જેના માટે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.