ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની અંગેની મડાગાંઠનો અંત આવ્યો છે. આ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની મેચ પાકિસ્તાનમાં નહીં રમે. મતલબ કે તમામ મેચો માત્ર તટસ્થ સ્થળો પર જ રમાશે. ICCની બેઠકમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2024 થી 2027 દરમિયાન ભારતમાં યોજાનારી તમામ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ પણ તેની મેચો ભારતના બદલે તટસ્થ સ્થળો પર રમશે.
ICCએ શેર કરી જાણકારી
ICCએ પોતાની વેબસાઈટ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સંબંધિત માહિતી શેર કરી છે. ICCએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2024 થી 2027 સુધીની મેચ માત્ર હાઇબ્રિડ મોડલથી જ યોજાશે. આ બંને ટીમો તેમની મેચ તટસ્થ સ્થળો પર રમશે. આ સિવાય આ નિયમ ICC ટૂર્નામેન્ટમાં પણ લાગુ થશે. આ પછી, ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાવાની છે.
આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે
ICC બોર્ડે પુષ્ટિ કરી છે કે 2024-2027 ચક્ર દરમિયાન કોઈપણ દેશ દ્વારા આયોજિત ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળે રમાશે. આ નિયમો ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026, ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 પર પણ લાગુ થશે. આ સિવાય PCBને 2028માં ICC મહિલા T20 વર્લ્ડ કપની યજમાનીનો અધિકાર આપવામાં આવ્યો છે. આ જ નિયમો આ ટુર્નામેન્ટ માટે પણ લાગુ પડશે.
ICCએ તેના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તેને ભારત, પાકિસ્તાન અને અન્ય કોઈપણ એશિયન પૂર્ણ સભ્ય દેશ વચ્ચે ત્રિકોણીય T20 ટૂર્નામેન્ટ અથવા એસોસિયેટ એશિયન દેશને સામેલ કરતી ચતુષ્કોણીય T20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ આવા સંજોગોમાં આ ટુર્નામેન્ટ પણ તટસ્થ સ્થળે યોજાશે.