આગ સામે સ્માર્ટ સિટી રાજકોટની ફાયર ટીમ અને સુરક્ષા તંત્ર કેટલા વામણા સાબિત થયા ? વિશ્વગુરુ બનવા માટે વિશ્વ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા પણ વિકસાવી પડે
વિકસીત દેશોમાં આગમાં કુદી લોકોને બચાવવા માટે ફાયરસ્ટાફને આગપ્રુફ ફાયરસુટ અપાય છે,જે આગમાં કુદીને સલામાત રીતે લોકોને બચાવી શકે છે
કાર્બન ફાયર બોલ સાથે આગમાં સરળતાંથી ઘુસેલી ફાયર ટીમ ફોમ વગેરેની દિવાલો તોડી આગને કાબુમાં લઇ શકે છે અને જીવતાં લોકોને આગમાંથી હેમખેમ બહાર કાઢી શકે છે
આપણી કરણી અને કથનીમાં ફરક છે. બોયા બીજ બબુલ કા આમ કહાં સે હોય. આપણે જેવું વાવીએ તેવુ લણીએ. મોટી મોટી વાતો કરવાથી આપણે વિશ્વ ગુરુ નથી બની શકતા. આ માટે ઇચ્છાશકિત અને સજજતા જોઇએ. વાત ટી.આર.પી. ગેમઝોનના આગકાંડની કરવી છે. છેલ્લા આંકડા મુજબ 3રથી વધુ વ્યકિતના મોત થયા છે. જે સ્થળે આગ લાગી હતી તે સ્થળે સ્વપ્રયત્નથી અથવા ત્યાં હાજર વ્યકિતઓની મદદથી જે લોકો બચી શકયા તે નસીબદાર. આપણી ફાયરી ટીમે આગમાંથી કેટલાં લોકોને બચાવ્યા તેની કોઇ વિગતો આવી નથી. જો કે ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ફાયરની મદદ સમયસર ન મળી હોવાની અથવા ફાયર ટીમને મોડી મોડી જાણ કરવામાં આવી હોવાની ફરિયાદો છે. પ્રથમ વિશ્વ,બીજા વિશ્વ અને ત્રીજા વિશ્વ વચ્ચે આ જ ફરક છે. વિશ્વ ગુરુ બનવા વચ્ચે આ જ ફરક છે. આપણે આગ લાગે પછી કુવો ખોદીએ છીએ. મૃતકોને બચાવી નથી શકતાં એટલે તેમના સ્વજનોને સહાય જાહેર કરીએ છીએ. એક બીજા ઉપર દોષારોપણ કરીએ છીએ. તંત્રના ઢાંક પિછોડા કરીએ છીએ. પરંતુ આ ઘટનામાંથી હવે શિખવાની વાત એ છે કે ભવિષ્યમાં આવી કોઇ આગ દુર્ઘટના ન બને.જેમાં આપણા લાડકવાયા હોમાઇ જાય. આગ સામે બચાવ માટે વિશ્વના સુધરેલા અને સજજ દેશોમાં સારી એવી પ્રગતિ થઇ છે. સૌ પ્રથમ કોઇ પણ આગ એક ઇમરજન્સી છે. અકસ્માત છે. એ કહીને નથી લાગતી. પરંતુ ઇમરજન્સી રિસ્પોન્સ અને આગ સામે લડવા માટે ચુનંદા ફાયરસ્ટાફ અને આધુનિક સાધનોથી સજ્જ તાલીમબધ્ધ સ્ટાફ જોઇએ. હાલ વિશ્વમાં કોસ્મોપોલિટન સિટી અને જયાં આગની સૌથી વધુ શકયતા છે એવા પેટ્રો અને ઇંધણ,કેમિકલને લગતા સંકુલોમાં ફાયરટીમ ફાયર સુટથી,કાર્બન ફાયર બોલ અને અન્ય અનેક સાધનોથી સજજ હોય છે.
આ ફાયર સુટ એટલા પ્રોટેકટીવ હોય છે કે તાલીમબધ્ધ ફાયર લાશ્કર તેને પહેરીને આગમાં સરળતાથી કુદી શકે છે. તેમની પાસે કાર્બનના મોટા મોટા બોલ હોય છે. જે આગના સ્થળમાં કુદી ફોમ વગેરેની દિવાલોને બ્લાસ્ટ કરી આગને ઓલવી શકે છે. આગમાં સપડાયેલા લોકોને તેઓ ઉંચકીને સલામત રસ્તેથી બહાર લઇ જઇ શકે છે અથવા આગની લપેટ વચ્ચે ફાયર બોલની મદદથી સમયની માંગ મુજબ આગ વચ્ચે રસ્તો બનાવી શકે છે.જો ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટ મનપા પાસે આવા ફાયરસુટ સજજ જવાનો હોત અને આગમાં કુદીને અંદર ફસાયેલા લોકોને સમયસર મદદ કરી શકયા હોત તો મૃત્યુઆંક આટલો ઉંચો ન ગયો હોત. એટલીસ્ટ પાંચ પંદર જીવ બચી ગયા હોત. આપણે વિશ્વગુરુના ખ્વાબમાં પાણી અને ગેસના ફુવારા લગભગ બહારથી છોડતાં રહયા. અંદર જઇને ફાયર ટીમ ખાસ મદદ કરી શકી નથી. પલાયનવાદની પણ આ એક હદ છે. જાગ્યા ત્યારથી સવાર. હવે ખરેખર તંત્ર આવી દુર્ઘટના અને દુર્ટના બાદ લોકોના તિરસ્કારનો ભોગ બનવાથી બચવા માંગતી હોય તો તાત્કાલીક ધોરણે ફાયર ઓથોરિટીનું અલગથી આકલન કરી તેમાં ઝીરો પર્સન્ટ ટોલરન્સ અને ઝીરો પર્સન્ટ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ લાવી આવી ઓથોરિટીને માત્ર સુપરટેક સ્પેશિયાલિટીના માર્ગદર્શન હેઠળ ચલાવવાનો નિર્ધાર કરવો જોઇએ. ઝાડવા ઉગાડયા વગર કરોડો રુપિયાના પાણીના ટેન્ડર પાસ કરી ગ્રીન સિટીની વાત કરતાં લોકોએ પહેલાં આગ લાગે ત્યારે આધુનિક સાધનોથી સજજ ટીમની મદદ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
આ માટે એવું જરૂરી નથી કે સરકારી તંત્ર જ જોઇએ. સરકારની બહાર પણ ફાયર એકસપર્ટ છે. ફાયર મેનેજમેન્ટ નામનું વૈશ્વિક શાસ્ત્ર છે. ગુજરાતમાં પણ આવી વ્યવસ્થાનું પગરણ થઇ ગયુ છે. ગીફટ સિટી તેનું ઉદાહરણ છે. સરકારના ઝીરો ઇન્ટરફિયરન્સથી ઉભા થયેલા ગગનચુંબી ટાવરમાં વિશ્વની તમામ સુરક્ષા વ્યવસ્થા છે. જેમા ફાયર સેફટી પણ આવી જાય છે. એટલે જ ગિફટ સિટીમાં વિશ્વની એમએનસી આવી છે. આવી કંપનીઓ કોઇ પણ જગ્યાએ તેમની ઓફિસ સ્થાપે ત્યારે સૌ પ્રથમ તેમની એકસપર્ટ ટીમ તેમની ટેલન્ટ(સ્ટાફ)ની સેફટીને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. કારણ કે તેમની એમ્પલોઇ ટેલન્ટની લાઇફની કિંમત માત્ર ઇન્સયુરન્સની સમ એસ્યોર્ડ રકમ પુરતી જ નથી હોતી. તેમની ફયુચર પ્રોડકટીવીટી સાથે જોડાયેલી હોય છે. કંપનીએ તેને જે રીતે ટ્રેઇન્ડ કર્યા હોય છે તેમાં પણ કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. આ રીતે બનાય છે વિશ્વ ગુરુ.
આગકાંડ બાદ ચાર ચાર દિવસ સુધી મૃતકોના પરિવારને તેમના સ્વજનોના મૃતદેહો ન મળે એવા વ્યવસ્થા તંત્રથી વિશ્વગુરુ બનવાનું સપનું દુર રહે છે. જો ખરેખર આપણે બદલાવ ઇચ્છતા હોય તો સૌ પ્રથમ રાજકિય ઇચ્છાશકિત,પ્રજાશકિત,વહિવટી શકિત અને મેનેજમેન્ટ શકિતનો સંગમ એક દિશામાં કરવો પડશે. આપણો મુખ્ય પડકાર અમલદારો,રાજકિય લોકોનો ભ્રષ્ટાચાર અને પ્રજાની પણ ગુલામી માનસિકતામાં છે. આ સડિયલ સિસ્ટમને જયાં સુધી ધડમૂળથી બદલવાની માનસિકતાનું નિર્માણ નહિ થાય ત્યાં સુધી ગેમઝોનમાં, હોસ્પિટલમાં,તળાવોમાં,જળાશયોમાં ફરતી બોટમાં,ટ્રેનોમાં, મોલમાં,સિનેમામાં ,નિશાળોમાં,નિશાળે લઇ જતાં વાહનોમાં,જાહેર ખાનગી સંકુલોમાં આવી ઘટનાઓ બનતી રહેશે. રાંડયા પછી પણ ડહાપણ આવે તો કદાચ ભવિષ્યની દુર્ઘટનાઓ સામે આપણે વધુ સજજ બની શકિશુ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર. પણ બન્ને બાજુ સમતોલ તૈયારી કરવી પડે. પહેલાં ઘટના ન બને એવું તંત્ર તૈયાર કરવું પડે. બીજુ આમ છતાં આગ કે દુર્ઘટના બને તો તેનો પુરી સજજતાથી સામનો કરવા માટે પણ આપણે ખરુ ડેમેજમેનેજમેન્ટ તંત્ર ખડુ કરવું પડે. મન હોય તો માળવે જવાય.કોઇકે તો આ પહેલ કરવી પડશે. નાલેશી,ભોઠપ અને તિરસ્કાર,નિરાશા પણ વૈચારિક દુર્બળતા છે. તેને દૂર કર્યે જ છુટકો. રાતકી મટકી ફોડો. ચલો નયા સૂરજ નિકાલે હમ. ન એકલું તંત્ર, ન એકલા રાજકિય નેતાઓ સૌ સાથે મળી નુતન સમાજની રચના કરીએ. સુરક્ષિત ખુશહાલ ગુજરાતનું સર્જન કરીએ. ન માત્ર ચૂંટણીના પરિણામોમાં અગ્રેસર બનીએ. પણ આ દિશામાં પણ અગ્ર ગુજરાતનું નિર્માણ કરીએ.