મળતી માહિતી અનુસાર મોરબીના રમચોક નજીક કપડાંની દુકાન ધરાવતા વેપારી ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરી બેફામ માર મારવામાં આવ્યો છે. વેપારીના દીકરા પાસે લેણી રકમની ઉઘરાણી કરી કપડાંની દુકાનના પાછળના ભાગે બોલાવી પ્રોઢ વેપારીને આડેધડ માર મરાયો છે. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હોય ત્યારે હાલ વેપારી દ્વારા ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના આલાપ રોડ ઉપર સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા અને રામચોક નજીક બોસ ઇન્ડિયા નામની કપડાંની દુકાન ધરાવતા રામજીભાઇ અમરશીભાઇ ભીમાણી ઉવ.૫૧ એ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હાર્દીક જીતુભાઇ કૈલા રહે.મોરબી, હરેશ ગઢવી તથા અજાણ્યા બે શખ્સો સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપી હાર્દિકને રામજીભાઈના દિકરા મિલન પાસેથી અઢીલાખ રૂપીયા લેવાના નિકળતા હોય જે માટે આરોપી હાર્દિક રામચોક નજીક કપડાંની દુકાને પોતાના સાગરીતો સાથે આવી રામજીભાઈ પાસે તેમના દીકરા પાસે લેણી રકમ રામજીભાઈ પાસે માંગતા તે આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી હાર્દિક તથા જીતુ ગઢવી રામજીભાઇને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડાનો ધોકો લઈ જમણા પગના સાથળના ભાગે માર મારવા લાગેલ તે દરમિયાન આરોપી બે અજાણ્યા શખ્સો રામજીભાઇને લાકડાના ધોકા વડે શરીર ઉપર જેમ ફાવે તેમ મારમારી ઇજા કરી હતી. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ચારેય આરોપીઓ પોતાની કાર લઈને નાસી ગયા હતા. હાલ ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.