પોલીસ કમિશનરના જાહેરનામાનો છડેચોક ઉલાળીયો
રાજકોટમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છે અને આ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું પણ પ્રસિધ્ધ કર્યું છે આમ છતાં તેનો છડેચોક ભંગ થતો હોય તેવો બનાવ કાલાવાડ રોડ પર બન્યો છે, જેમાં યુવાનને ગળામાં ગંભીર ઇજા થતાં ૧૨ ટાંકા લેવા પડ્યા હતા.
પ્રાપ્ત વિગત એવી છે કે શહેરના કાલાવડ પર રોડ આવેલ વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને લીમડા ચોક નજીક પુરી શાકની રેકડી ચલાવતા ભરત વલ્લભભાઇ વાજા નામના ૪૦ વર્ષના યુવાન ગત સાંજે બાઇક પર દરણુ દળાવવા ફલોર મીલ ખાતે જતા હતા ત્યારે પતંગનો દોરો ફસાતા ગંભીર ઇજા પહોંચી હતી. ભરતભાઇને ગળામાં ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહી ઇમરજન્સી વિભાગયમાં દાખલ કરવામાં આવતા તેમનું ગળુ ચિરાઇ ગયું હોય તબીબોએ ૧૨ ટાંકા લીધા હતાં. ત્રણ દિવસ અગાઉ રાજકોટ નજીક નવા ગામ પાસે હાઇવે પરથી પસાર થઇ રહેલા એક યુવાનને પણ પતંગની દોરીથી ગળામાં ગંભીર ઇજા થઇ હતી અને ૧૨ ટાંકા લેવા પડયા હતાં. પતંગ પર્વ પૂર્વે માર્ગો ઉપર નીકળતા લોકો માટે આવા બનાવો ખતરાની ઘંટી સમાન છે. પતંગના દોરા અબોલ જીવો અને માનવીઓ માટે પણ ઘાતક પૂરવાર થઇ રહ્યા છે.