દબાણ વાળા સ્થળને ચૌતરફથી કોર્ડન કરીને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી
જીલ્લા કલેકટર, રેંજ આઈજી, પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પુરતી તૈયારીઓ સાથે તંત્રએ દબાણો દુર કરવા કામગીરી હાથ ધરી
જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ત્રણથી વધુ જેટલા ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો દુર કરવા મોટા પોલીસ કાફલા સાથે મોટી સંખ્યામાં જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતના સાધનો સાથે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લાના ઈતિહાસના સૌથી મોટા કહી શકાય તેવા આ મેગા ડીમોલેશનમાં જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, રેંજ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના શીર્ષ અધિકારીઓ વ્હેલી સવારે સ્થળ ઉઓર હાજર રહી ડીમોલેશનની કામગીરી માર્ગદર્શન કરી રહેલ. શહેરમાં શાંતિ બની રહે તે માટે જોડીયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઇન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
ગતરાત્રીથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દુર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા ધાર્મિક સ્થળની આસપાસ એકઠા થઈ ગયા હતા. જે પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડયા હતા. બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડીયા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત 3 એસપી, 6 ડીવાયએસપી, 50 પીઆઈ તથા પીએસઆઇ સહિત ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર ત્રણ જિલ્લાનો 1200 નો પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપીની કંપનીનો બંદોબસ્ત તૈનાત કરી કામગીરી શરૂ કરાવી હતી.