- સુમુલ ડેરી રોડ ખાતે રહેતો કેવિન પટેલ મોબાઇલ બંધ કરી ફરાર
- શેરબજારમાં રોકાણ કરાવી કમિશન આપવાની લાલચ આપી ઠગાઇ
- ઠગાઇનો ખ્યાલ આવતા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સુરતમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. શેરબજારમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી ડભોલીના યુવક સાથે રૂા.2.70 લાખની છેતરપિંડી કરાઇ હતી.
મળતી વિગતો પ્રમાણે ડભોલીમાં સરદાર પટેલ સોસાયટી ખાતે રહેતા ચિરાગ કલ્યાણભાઇ કાચરીયા (ઉ.વ.29, મુળ સેંદરડા, મહુવા, ભાવનગર) ભટારની મોબાઇલની દુકાનમાં નોકરી કરે છે. કેવિન પટેલ દુકાનમાં નિયમિત ખરીદી માટે આવતા હોય તેઓ સાથે પરિચય થયો હતો. ગત તા.25-7-23ના રોજ કેવિને કોલ કરી ચિરાગને જણાવ્યું કે “હું શેરબજાર વિશે સારૂં એવું જાણું છું, હાલ શેર માર્કેટમાં સારૂં ચાલે છે, તમે મને 2 લાખ રોકવા માટે આપો, જે કંઇ કમિશન મળશે એ તમને આપીશ” એવી લાલચ આપી હતી. ચિરાગે વિચારીને જવાબ આપવાની વાત કરી હતી.
બીજા દિવસે રાત્રે ફરી કેવિને કોલ કરી 2 લાખ શેરબજારમાં રોકવા માટે માંગ્યા હતા. આખરે ચિરાગ કેવિનને 2 લાખ આપવા તૈયાર થયો હતો. ચિરાગના ઘરની બહાર આવી કેવિન 2 લાખ 20 દિવસની મુદ્દત માટે લઇ ગયો હતો. બે દિવસ બાદ વધુ 70 હજારની માંગણી કરતા ચિરાગે 70 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ કેવિને દુકાને આવવાનું બંધ કરી દીધું હતુ. રૂા.2.70 લાખ માટે કેવિનને કોલ કરે તો તે બહાનાબાજી કરતો હતો અને બાદમાં છેલ્લાં એક મહિનાથી ફોન રિસિવ કરવાનું પણ તેને બંધ કરી દીધું હતુ. આખરે ચીટિંગનો અહેસાસ થતા ચિરાગ કાચરીયાએ ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે કેવિન દિનેશ પટેલ (રહે- નીલકંઠ સોસાયટી, સુમુલ ડેરી રોડ) સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.