વહેલી સવારથી મહાદેવને શીશ ઝુકાવવા શિવ ભક્તોની કતાર લાગે
દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ યાત્રાધામમાં સતત ઉમટી રહેલ નજરે પડતો હતો.
સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ, પીતાંબર, પુષ્પ, બિલ્વપત્ર નો અલોકીક મનમોહક શ્રુંગાર કરવામાં આવેલ જેના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. તો આજે મહાશિવરાત્રીનું પ્રથમ નૂતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પીકે લહેરી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સોમનાથ મહાદેવને સિઝુકાવી ધ્વજા પૂજા કરી હતી.
તો આજે સવારે સોમનાથ મંદિરમાં મહાદેવના મુખારવિંદ સાથે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સ્વયં દેવાધી દેવ સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા આ પાલખીયાત્રા મંદિર પરિસરમાં ફરી હતી ત્યારે મોટી સંખ્યામાં શિવભક્તો હર હર મહાદેવ નાદ નાથ સાથે જોડાતા સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ શિવમય બની ગયું હતું.
આજે શિવરાત્રી ના પર્વને ધ્યાને લઈ મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિરે આવી પહોંચવાના હોવાથી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ અરવિંદસિંહ જાડેજા સહિત બૉમ્બ સ્કોડ, ડોગ્સ કોડ તથા એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.