વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોઢવાડિયા અને લાડાણી ઉપર પણ રહેશે સહુની નજર
દેશમાં સાત તબકકામાં યોજાઇ રહેલી લોકભાની ચૂંટણીના ત્રીજા તબકકાનું મતદાન આવતી કાલે મંગળવારે તારીખ ૭ મે’ના રોજ થશે. ગુજરાત સહિત ૧૧ રાજયોની ૯3 બેઠકો ઉપર પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. આ તબકકાની ચૂંટણીમાં ૧3૦૦ થી વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ત્રીજા તબકકાની બેઠકના મતદાન બાદ દેશમાં કુલ બેઠકોના પ૦ ટકાથી વધુ બેઠકોનું મતદાન થઇ જશે. ગુજરાતમાં ર૬માંથી એક સુરતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ થયા હોવાથી સુરતના મતદારોને લોકશાહિના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાનનો અધિકાર જ નહિ મળે.
ગુજરાતમાં લોકસભાની રપ બેઠક સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચ બેઠક ઉપર મતદાન થનાર છે.જેમાં અનેક મહાનુભાવોના ભાવિ ઇવીએમમાં કેદ થનાર છે. ગાંધીનગર બેઠક ઉપરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડે છે. રાજકોટ બેઠક ઉપર કેબિનેટ મંત્રી પરશોતમ રૂપાલા ચૂંટણી લડે છે. જયારે પોરબંદર લોકસભા બેઠક ઉપર કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડે છે. આ ઉપરાંત પેટા ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતમાં કુલ પાંચ બેઠક ઉપર આવતી કાલે લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી છે. જેમાં પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરનાર અર્જુન મોઢવાડિયા ભાજપના ચૂંટણીચિહ્ન ઉપર વિધાન સભાની ચૂંટણી લડી રહયા છે. જયારે આપમાથી ભાજપમાં આવેલા અરવિદં લાડાણી માણાવદર બેઠક ઉપર ચૂંટણી લડી રહયા છે.
ક્ષત્રિય આંદોલન અને કર્ણાટકમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર પ્રજવ્વલ રેવન્નાની સેકસ કલીપને કારણે સાથી પક્ષ ભાજપ ઉપર દબાણ રહેશે. સ્થાનિક મુદાઓમાં ક્ષત્રિય સમાજના વિરોધ આંદોલનનો ભાજપને સામનો મતદાન સુધી કરવાનો આવ્યો છે. સામા પક્ષે કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં નેતાઓનું પક્ષાંતર સંગઠન માળખુ નબળુ હોવાની અને સૌરાષ્ટ્રમાં કોઇ મોટા લોકપ્રિય નેતા રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધીની સભા વગર ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે સૌરાષ્ટ્ર ગુજરાતનો પ્રવાસ અને જાહેર સભાઓ કરી છે તેની અસર જોવા મળશે.
સૌરાષ્ટ્ર કચ્છની લોકસભાની આઠ બેઠક ઉપર ખાસ નજર માંડીએ તો આવતી કાલે મંગળવારે લોકસભાની ચૂંટણીનું મતદાન છે તે પહેલાંનું દ્રશ્ય જોઇએ તો સૌ પ્રથમ સુરેન્દ્રગનર બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સૌથી વધુ રસાકસી જોવા મળશે. ક્ષત્રિય પ્રભુત્વવાળા આ વિસ્તારમાં કોળી સમાજના બન્ને પક્ષના ઉમેદવાર છે. બીજી બેઠક તરીકે જામનગર બેઠક ઉપર પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળશે. લેઉવા પટેલ ઉમેદવાર જે.પી. મારવિયા કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની સામે ભાજપના સીટીંગ એમ.પી. પુનમબેન માડમ ચૂંટણી લડે છે. ક્ષત્રિય આંદોલન અને લેઉવા પટેલ મતદાનરોની પેટર્ન ઉપર આ બેઠક પણ રસાકસી ભરી બનશે. આ ઉપરાંત અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર મજબુત ઉમેદવાર છે. જયારે ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા મુળ સુરતના વતની છે. બન્ને વચ્ચેનો જંગ પણ પરિણામ સુધી સસ્પેન્શ સર્જશે.
રાજકોટ બેઠક ખાસ છે. સામાન્ય રીતે રાજકોટ બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. અહીં ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા સામાન્ય રીતે પાંચ લાખ મતની સરસાઇથી જીતી જાય એવી અપેક્ષા હતી. પરંતુ ક્ષત્રિય વિવાદ તેમની બેઠકથી શરૂ થયો છે. આ આંદોલન કેટલી અસર કરે છે તેના ઉપર તેમની લીડનો આધાર રહેશે. તેમની લીડ ઘટે પણ વિજય નિશ્ચીત મનાય છે. આમ લોકસભાની ચૂંટણીના આવતી કાલના મતદાનમાં રસાકસી જોવા મળશે.