જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ 2.10 કરોડની અંદાજે 4500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
વેરાવળમાં જલારામ નગરમાં આઈસા સિદીકા રોડ પર નિર્માણધીન ફલાયઓવર બ્રિજના કામમાં નડતરરૂપ એવા સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો ઉપર જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસના બંદોબસ્ત સાથે તંત્રનું બુલડોઝર ફરી વળી અંદાજિત રૂ.2.10 કરોડની કિંમતની 4,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવાની સપાટો બોલાવતી કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે ભુમાફિયાઓ અને દબાણધારકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી.
આ અંગે માહિતી આપતા અધિક કલેકટર રાજેશ આલએ જણાવેલ કે, વહીવટી તંત્ર દ્વારા શહેરના રેલ્વે ફાટક પર ફલાયઓવર બ્રિજ બનાવવાની અને સર્વિસ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ દબાણો દુર કરવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ આ દબાણો દુર થયા ન હતા. જેથી આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમ સરકારી મશીનરી સાથે આઈસા સિદીકા રોડ પર આવેલ આ નડતરરૂપ અને સરકારી જમીન પર ખડકાયેલા દબાણો જેસીબીની મદદથી દુર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારની સોસાયટીના લોકોને ટ્રાફિક સમસ્યાનો ભોગ ન બનવું પડે, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવે નહીં તેમજ શહેરી વિસ્તાર લોકોને ચોમાસામાં કોઈ મુશ્કેલીઓ પડે નહીં તે માટે આજે દબાણો હટાવવાની આકરી કામગીરી કરવામાં આવી છે.
આજની કામગીરીમાં રૂ.1.5 કરોડની આશરે 3500 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો અને અંદાજિત 1 હજાર ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી છ દુકાનો જેની અંદાજીત બજાર કિંમત રૂ.1 કરોડ થાય છે. તે તમામ દબાણો દુર કરીને કુલ અંદાજે રૂ.2.10 કરોડની કિંમતની 4500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન ડીવાયએસપી વી.આર.ખેગાર, નાયબ કલેકટર વિનોદ જોષી, કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા, મામલતદાર જેઠાભાઈ શામળા, ચીફ ઓફિસર ચેતન ડૂડીયા સહિતના સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.