કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે ફરમાન કર્યું છે કે દુકાનના બોર્ડમાં 60 ટકા જેટલો હિસ્સો કન્નડ ભાષામાં હોવો જોઈએ ત્યારે આમચી મુંબઈ, મરાઠી મુંબઈવાળી થવા લાગી છે
દુકાનનું પાટિયું સ્થાનિક ભાષામાં લખેલું હોવો જોઈએ તેવો આગ્રહ હવે કર્ણાટક સરકારે રાખ્યો છે. દુકાન પર સાઇન બોર્ડ અર્થાત નિશાની અને નામ માટેનું પાટિયું હોય તે કન્નડમાં હોવું જોઈએ – કમસે કમ 60 ટકા કન્નડમાં હોવું જોઈએ. મોટા અક્ષર કન્નડમાં હોય અને તે પછી નાના અક્ષરોમાં અંગ્રેજીમાં રાખો કે બીજી કોઈ પણ ભાષામાં રાખો. અથવા બીજું જે લખવાનું થતું હોય તે લખો. મુંબઈમાં આમચી મુંબઈ, મરાઠી મુંબઈ એ સૂત્ર સાથે આવી જ માથાકૂટ મુંબઈમાં પણ થઈ હતી. દુકાનના બોર્ડ મરાઠીમાં હોવા જોઈએ એવી માગણી હતી. ગુજરાતમાં તો હવે નાના શહેરમાં પણ હોટેલમાં જઈને ગુજરાતી હિન્દીમાં બોલવા લાગે છે – એ ભાઇ, ખાને મેં ક્યાં હૈં. ચાય હારી લે આવ એવું કૈંક બોલે. ગુજરાતીઓની વાત જ ન્યારી છે. બે ગુજરાતીઓ ભેગા થાય ત્યારે, ગુજરાતમાં હોય તો પણ પ્રથમ કોશિશ અંગ્રેજીમાં બોલવાની કરશે. બંને જણ બબ્બે વાક્યો અંગ્રેજીમાં બોલી બતાવશે, યૂ સી, આઇ ગો બાય ધીસ સ્ટાન્ડર્ડ અને પછી હળવેકથી ગુજરાતીમાં આવી જાય. બંને જણ ખાલી બતાવવા જ માગતા હોય છે કે આમ આપડને પણ આવડે કે હોં.
તો સરકાર શું બતાવવા માગતી હશે જ્યારે એમ કહે કે દુકાનના પાટિયા એટલે કે બોર્ડ … પેલા સાઇન બોર્ડ સ્થાનિક ભાષામાં હોવા જોઈએ? ભાષા પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, સંસ્કૃતિ પ્રેમ, સંસ્કાર પ્રેમ, આ પ્રેમ અને પેલો પ્રેમ દેખાડીને રાજકારણ મૂળ તો પોતાનું રાજકારણ દેખાડતો હોય છે. એમાંય ગુજરાતની વાત ન્યારી છે. ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ, કેમ કે ક્યાં ગરબા સંસ્કૃત્તિ ના આવે ને અડધી રાત્રે ત્યાંથી કંઈ સલામત પસાર થવાનું હોતું નથી એવું કૈંક હશે. જે હોય તે, ટૂંકમાં દરેક રાજ્યનું પોતાનું રાજકારણ હોય છે એટલે તેમાં દુકાનના બોર્ડ કઈ ભાષામાં હોવા જોઈએ એ કેટલાક રાજ્યમાં રાજકીય મુદ્દાની યાદીમાં આવી જાય છે. મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુમાં અને હવે કર્ણાટકમાં આ મુદ્દો આવ્યો છે. કેરળમાં જુદા પ્રકારના ઘણા મુદ્દાઓ છે એટલે દુકાનના બોર્ડની બહુ માથાકૂટ થઈ નથી. તેલંગાણા અને આંધ્રમાં પણ જોઈએ… મૂળ હૈદરાબાદમાં હિન્દી જાણનારા લોકોની સંખ્યા ખાસ્સી છે અને ત્યાંના રાજકારણીઓ – દક્ષિણમાંથી આવનારા રાજકારણીઓમાંથી સૌથી વધુ સારું હિન્દી બોલે છે. બીજા દક્ષિણ ભારતીય રાજ્યોના નેતાઓને થોડી મુશ્કેલી પડતી હોય છે. મુશ્કેલી ના પડતી હોય તો ઘણી વાર પાડતા પણ હોય છે. કેમ કે એ પણ એક મુદ્દો છે.
એમ તો બંગાળી અને ગુજરાતી લોકો પણ હિન્દી બોલે ત્યારે આગવું બોલતા હોય છે. એ બંને પ્રજાની ઓળખ હિન્દી માધ્યમથી બરાબર ઉપસી આવે છે. પણ ચાલે, એવું જ હોય. મૂળ વાત દુકાનના પાટિયાની છે તેમાં સ્થાનિક ભાષાનો જ આગ્રહ રાખવાના બદલે બીજી કેટલીક બાબતોનો આગ્રહ રાખવાની જરૂર છે. સ્થાનિક ભાષાનો આગ્રહ તો મુદ્દા આધારિત હોય છે, પણ પાટિયા પર બીજું કંઈક લખેલું હોય તેના પ્રેક્ટિકલ મુદ્દાઓ છે તેની ચર્ચા ઓછી થાય છે.
એક સમયે પાટિયા પર મોટા ભાગે એડ્રેસ પણ લખાતું હતું. અડધું તો અડધું, પણ તેમાં એડ્રેસ આવી જતું હતું. આ બિલ્ડિંગ કયું છે અને આ કયો રસ્તો છે અને કયું નગર, પરું, સોસાયટી છે તેનો ખ્યાલ આવી જતો હતો. સરનામું શોધવામાં અને શહેરની ભૂગોળ સમજવામાં તે બહુ ઉપયોગી થતું હતું. કોઈક કારણસર તે બંધ થઈ ગયું છે. શા માટે એ તો દુકાનદારો જાણે. અથવા પાટિયું ચીતરી આપનારા પેઇન્ટર્સનું સૂચન હશે અને તેમ ચાલ્યું હશે. સરસ મજાની ડિઝાઇનના નામે પેઇન્ટર અને ડિઝાઇનર પોતાનું કામ સહેલું કરતા હોય છે. આવી નાની વિગતો લખવા માટે કલર જોઈએ, મહેનત જોઈએ, ડિઝાઇન સરખી કરવી પડે. પેલી કોઈ ઝંઝટ નહીં. મોટા અક્ષરે બસ દુકાનનું નામ લખી નાખવાનું. એ પણ અંગ્રેજીમાં એટલે પત્યું.
બીજી એક નોંધપાત્ર બાબત છે જે આપણે સૌ જાણીએ છીએ, પણ ધ્યાને લેતા નથી. દુકાન, બિઝનેસ, શોપ, શોરૂમ, સ્ટોર જે કહો તે – મૂળ નામ જ અંગ્રેજીમાં હોય છે. એટલે કે લીપી પછી આવે છે, મૂળ નામ જ અંગ્રેજીમાં હોય છે. જેમ કે ‘શ્યામ પાન દુકાન’ ના હોય, શ્યામ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ હોય. શ્યામ પાન અને ઠંડા પીણા ના હોય. પાન પાર્લર જ હોય. અથવા પાન શોપ હોય. ચાની દુકાન ના હોય પણ ટી સ્ટોલ જ હોય. નામમાં જ ટી સ્ટોલ હોય. કિરણ કરિયાણા ભંડાર એવું ના જોવા મળે, પરંતુ કિરણ કરિયાણા સ્ટોર જ હોય. વધારે નમૂના નથી આપતો, તમે સમજી ગયા.
હવે મૂળ નામનું જ આપણે લાંબા સમયથી અંગ્રેજીકરણ કરી નાખ્યું છે ત્યારે શોપ, પાર્લર, સ્ટોર, મોલ, શોરૂમની લીપી સ્થાનિક રાખવાનો શો અર્થ એવો સવાલ થાય? પણ રાખવા જોઈએ, ભાષા પ્રેમ માટે નહીં પણ સાનુકૂળતા ખાતર. અંગ્રેજી ના વાંચી શકનારાનો મોટો વર્ગ છે અને તેમને ખાતર પણ સ્થાનિક ભાષા અને લીપી રાખવી જોઈએ. ફાયદો દુકાનદારો જ છે. બીજું અગાઉ થતું હતું તેમ પાટિયાની નીચે એક પટ્ટીમાં બિલ્ડિંગનું નામ, પરાનું નામ, રસ્તાનું નામ અને પીનકોડ પણ લખાય તે સરનામું શોધનારા માટે બહુ ઉપયોગી થતું હોય છે. દુકાનમાં શું મળશે તેનો એક અંદાજ પણ પાટિયા પરથી આવી જાય તો ગ્રાહક અને દુકાનદાર બંનેનો સમય બચે. તેના માટે અલગથી એક બોર્ડ દુકાનની આગળ મારેલું હોય અને તેમાં ચોકથી લેટેસ્ટ ઇન્ફર્મેશન લખી હોય તો ઉત્તમ.
આવી બાબતમાં કંઈ નિયમો નથી હોતા. તેના માટે માથાકૂટ કરવાની નથી હોતી. દુકાનદારોએ સ્માર્ટ થવાનું હોય છે અને કેટલાક બિઝનેસમેન એવા સ્માર્ટ હોય પણ છે. તેઓ સમગ્રી રીતે એવું ઇન્ટરિયર રાખે અને બહારથી એવો લૂક રાખે કે એક આગવી ઓળખ ઊભી થાય. દેખાવમાં સારું લાગે, પોતાની આગવી ઓળખ ઊભી થાય અને સાથે જ દુકાન બંધ હોય ત્યારે પણ ઉપયોગી થાય તેવી ભૌગોલિક માહિતી પણ સાઇન બોર્ડમાં સમાવી લેવામાં આવે તો તે સારી નિશાની ગણાય. શું કહો છો?