– પરંપરાગત બજાર અમેરિકા ખાતે નિકાસમાં ઘટાડો જોવાયો
Updated: Oct 1st, 2023
મુંબઈ : યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) તથા ઓસ્ટ્રેલિયા સાથેના મુકત વેપાર કરારને કારણે આ દેશોમાં ભારતની એન્જિનિયરિંગ નિકાસમાં વધારો જોવા મળ્યો છે. જો કે ભારતની પરંપરાગત બજાર અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસ ઘટી છે.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં દેશની એન્જિનિયરિંગ નિકાસમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો છે પરંતુ યુએઈ તથા ઓસ્ટ્રેલિયા બન્ને ખાતે તેમાં નવ ટકા વધારો જોવા મળ્યો હોવાનું એન્જિનિયરિંગ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઈઈપીસી)ના સુત્રોએ જણાવ્યું હતું.
યુએઈ ખાતે એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં નિકાસ નવ ટકા વધી ૨.૨૪ અબજ ડોલર પહોંચી છે જ્યારે ઓસ્ટ્રેલિયા ખાતે પણ નિકાસ વાર્ષિક ધોરણે નવ ટકા વધી ૫૯.૬૧ કરોડ ડોલર રહી છે.
આ બન્ને દેશો ખાતે નિકાસમાં વધારો થવા પાછળનું કારણ તેમની સાથે થયેલા મુકત વેપાર કરાર છે, એમ ઈઈપીસીના સુત્રોએ જણાવ્યું હતું.
ભારતના પરંપરાગત વેપાર ભાગીદારો ઉપરાંત લેટિન અમેરિકા તથા આફ્રિકા જેવા દેશો સાથે પણ મુકત વેપાર કરાર થવા જોઈએ એમ ઈઈપીસીના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
દેશની એકંદર એન્જિનરિંગ નિકાસ એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં ૪.૫૫ ટકા ઘટી ૪૪.૬૨ કરોડ ડોલર રહી છે, જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૪૬.૭૪ અબજ ડોલર રહી હતી. ભારતની મુખ્ય બજાર અમેરિકા ખાતે નિકાસમાં ૧૪ ટકા ઘટાડો નોંધાયો છે.
રશિયા ખાતે ભારતની એન્જિનયરિંગ નિકાસમાં ૧૭૮ ટકાનો વધારો જોવા મળ્યાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.