ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. પાંચમા દિવસે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ભારતને આ મેચ જીતવા માટે 275 રનનો ટાર્ગેટ હતો. હાલમાં ત્રણ મેચ બાદ બંને ટીમ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. મેચ રદ્દ થયા બાદ પણ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશા હજુ પણ અકબંધ છે.
બંને ટીમોને મળ્યા 4-4 પોઈન્ટ
ગાબા ટેસ્ટ રદ્દ થયા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોને 4-4 પોઈન્ટ મળ્યા છે. ICCના નિયમો અનુસાર મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને સમાન પોઈન્ટ મળે છે. જો કે આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. ટીમ ઈન્ડિયા હજુ પણ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે. ગાબા ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાના 106 પોઈન્ટ છે અને ભારતના 114 પોઈન્ટ છે.
શું છે ટીમ ઈન્ડિયા માટે ફાઈનલના સમીકરણ?
હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 2 મેચ બાકી છે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાના દમ પર પહોંચવા ઈચ્છે છે તો તેને આગામી બે મેચ જીતવી પડશે. સિરીઝ 3-1થી જીતીને ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ મળી જશે. આ સિવાય જો સિરીઝ 2-2 પર સમાપ્ત થશે તો ટીમ ઈન્ડિયાની નજર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સાથેની સિરીઝ પર રહેશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા ઈચ્છે છે કે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવી દે.
ગાબા ટેસ્ટમાં બુમરાહની શાનદાર બોલિંગ
ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ કંઈ ખાસ રહી ન હતી અને વિરાટ કોહલી, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંત જેવા બેટ્સમેનોએ ફરી એકવાર ટીમને નિરાશ કરી હતી. જોકે બોલિંગમાં જસપ્રિત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બુમરાહે પ્રથમ દાવમાં 6 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં બુમરાહે કુલ 9 વિકેટ લીધી હતી.