ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ગાબા ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. જે બાદ ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. દરમિયાન ઓસ્ટ્રેલિયાને ચોથા દિવસે મોટો આંચકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેણે મેદાન છોડવું પડ્યું હતું.
સ્કેન માટે જવું પડ્યું બહાર
જોશ હેઝલવૂડને સવારથી વોર્મ-અપથી તકલીફ થઈ રહી હતી. જે બાદ ચોથા દિવસે હેઝલવુડે માત્ર એક ઓવર નાંખી અને તેને ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાન છોડવું પડ્યું. રિપોર્ટ અનુસાર, હેઝલવુડને ઈજા થતાં તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેના કારણે હેઝલવુડને પહેલા સત્રમાંથી બહાર રહેવું પડ્યું હતું. હવે વધુ સ્કેનિંગ પછી જ ખબર પડશે કે આ ખેલાડી આગામી સત્ર માટે હાજર રહેશે કે નહીં.
એડિલેડ ટેસ્ટ પણ ચૂકી ગયો હતો હેઝલવૂડ
સિરીઝની બીજી મેચ એડિલેડમાં પિંક બોલથી રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત હાંસલ કરી હતી. હેઝલવુડ આ મેચમાં પણ ઈજાના કારણે રમી શક્યો ન હતો. જેના કારણે હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ગાબા ટેસ્ટ માટે પોતાના ખતરનાક બોલરની રાહ જોઈ રહી હતી. હેઝલવુડે ગાબામાં આવતાની સાથે જ વિરાટ કોહલીની વિકેટ લીધી હતી.
આવી સ્થિતિમાં જોશ હેઝલવુડની ઈજા વધુ ગંભીર બનશે તો તેના માટે ભવિષ્યની મેચોમાં રમવું મુશ્કેલ બની જશે. જો હેઝલવુડ સિરીઝની બાકીની બે મેચમાંથી બહાર થઈ જાય છે તો ઓસ્ટ્રેલિયા માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે.