ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી ટેસ્ટ પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચની શરૂઆત પહેલા ભારતનું ટેન્શન વધી ગયું છે, જ્યાં સમગ્ર સિરીઝ દરમિયાન કાંગારૂ બોલરોને પરેશાન કરનાર કેએલ રાહુલ પ્રેક્ટિસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેના વિશેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નેટ્સમાં પ્રેક્ટિસ કરતી વખતે ટીમના ફિઝિયો પાસેથી ટ્રીટમેન્ટ લેતો જોવા મળે છે.
રાહુલને હાથમાં ઈજા થઈ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલના જમણા હાથમાં થોડી સમસ્યા છે અને તે તેની સારવાર કરાવી રહ્યો છે. હાલમાં તેની ઈજા કેટલી ગંભીર છે અને તેને કેટલો સમય બહાર રહેવું પડશે તે અંગે વધુ માહિતી નથી. હાલ ભારતીય ટીમની મેડિકલ ટીમ રાહુલની ઈજાનું મૂલ્યાંકન કરી રહી છે. ટીમ ઈન્ડિયાને આશા છે કે તેની ઈજા વધારે ગંભીર નથી કારણ કે આ સ્ટાર બેટ્સમેન આખી સિરીઝમાં ધમાલ મચાવી રહ્યો છે. રાહુલે અત્યાર સુધી કાંગારૂ ટીમ સામે ત્રણ મેચમાં બે અર્ધસદી ફટકારી છે.
રાહુલના નામે સૌથી વધુ રન
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં રાહુલ વધુ સારી રીતે ટચમાં હોય તેવું લાગી રહ્યું છે. તે અન્ય ભારતીય બેટ્સમેનોની સરખામણીમાં ખૂબ જ આસાનીથી બેટિંગ કરી રહ્યો હોવાનું જણાય છે. 32 વર્ષીય રાહુલે આ સિરીઝની છ ઇનિંગ્સમાં 47ની એવરેજથી બે અર્ધસદી સાથે 235 રન બનાવ્યા છે. રાહુલ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
રાહુલે બધાને પ્રભાવિત કર્યા
પ્રથમ મેચમાં નિયમિત સુકાની રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલ અને યશસ્વી જયસ્વાલની જોડી બની હતી જે ઘણી સફળ રહી હતી. આ જોડીએ પર્થમાં 201 રનની ભાગીદારી કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાહુલે 77 રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ ભાગીદારીના કારણે રોહિત એડિલેડમાં બીજી ટેસ્ટ માટે પરત ફર્યા પછી પણ ટીમે રાહુલ-જયસ્વાલની જોડીને જાળવી રાખી હતી. એડિલેડ ટેસ્ટમાં આ જોડી સારી રહી ન હતી, પરંતુ રાહુલે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 84 રનની મેચ બચાવી ઈનિંગ રમીને ઓપનિંગનો પોતાનો દાવો વધુ મજબૂત કર્યો હતો.