ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે ધૂમ મચાવી હતી. એક સમયે ટીમ ઈન્ડિયાએ 221ના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તે ઓસ્ટ્રેલિયાથી 253 રનથી પાછળ હતી.
આ દરમિયાન બંનેએ આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના આધારે ટીમ ઈન્ડિયા ફોલોઓન ટાળવામાં સફળ રહી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ આ મેચમાં વાપસી કરી છે. ત્રીજા દિવસે વરસાદના કારણે મેચમાં ઘણી વખત વિક્ષેપ સર્જાયો હતો. આ પરિસ્થિતિમાં ચોથા દિવસે વરસાદને લઈને મોટું અપડેટ આવ્યું છે.
જાણો ચોથા દિવસે કેવું રહેશે હવામાન
ત્રીજા દિવસે વરસાદને કારણે મેચને ઘણી અસર થઈ હતી. આ પરિસ્થિતિમાં, ફેન્સને ડર છે કે ખરાબ હવામાનને કારણે બાકીના બે દિવસની રમત બગડી શકે છે. પરંતુ તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે. ચોથા દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. વેધર ડોટ કોમ મુજબ સ્થાનિક સમય પ્રમાણે સવારે 11 વાગ્યે દિવસની રમત શરૂ થયાના માત્ર એક કલાક પછી વરસાદની સંભાવના 5% છે. સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે વરસાદની 10% સંભાવના છે પરંતુ દિવસભર ભારે વરસાદની કોઈ શક્યતા નથી. તેથી ફેન્સ દિવસભર અવિરત રમતની અપેક્ષા રાખી શકે છે. આ સમય દરમિયાન તેઓને એક શાનદાર સ્પર્ધા જોવા મળી શકે છે.
નીતિશ રેડ્ડીએ રચ્યો ઈતિહાસ
આ પ્રવાસ દરમિયાન નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. 21 વર્ષીય ખેલાડીએ દસ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 105* (176) રનની શાનદાર ઈનિંગ રમી હતી. રેડ્ડી શરૂઆતથી જ ક્રીઝ પર શાંત જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેને ટેસ્ટ મેચમાં પણ પોતાનું સારું ફોર્મ જાળવી રાખ્યું અને ઘણા શાનદાર શોટ ફટકાર્યા. તે 21 વર્ષ અને 216 દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બન્યો. રિષભ પંત અને મહાન સચિન તેંડુલકર આ લિસ્ટમાં સામેલ છે.