ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ગાબામાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જસપ્રીત બુમરાહે પાંચમા દિવસે માર્નસ લાબુશેનની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચ્યો છે. હવે બુમરાહે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવને હરાવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રીત બુમરાહે અત્યાર સુધી શાનદાર બોલિંગ કરી છે. ગાબા ટેસ્ટની બીજી ઇનિંગમાં બુમરાહે માર્નસ લાબુશેનની બીજી વિકેટ લીધી હતી. આ વિકેટ લઈને બુમરાહે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવના નામે હતો. જેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોલિંગ દરમિયાન 51 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહના નામે હવે 52 વિકેટ છે. આ યાદીમાં ત્રીજા સ્થાને પૂર્વ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલે છે, જેણે ઓસ્ટ્રેલિયામાં 49 વિકેટ લીધી હતી. આ સિવાય આર અશ્વિન 40 વિકેટ સાથે ચોથા સ્થાને યથાવત છે.
ભારતની શાનદાર બોલિંગ
ગાબા ટેસ્ટના બીજા દાવમાં પાંચમા દિવસે ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ માત્ર 33 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં જસપ્રીત બુમરાહે 2, આકાશ દીપે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 260 રન પર જ સમેટાઈ ગયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. ગાબા ટેસ્ટનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ભારતીય કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 260 રન પર સમાપ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 275 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા પાસે ગાબા સર કરવાની સોનેરી તક છે.