ભારતીય ટીમે પર્થ ટેસ્ટ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા સામે બીજા અને સૌથી મોટા પડકાર એટલે કે ડે-નાઈટ ટેસ્ટનો વારો છે. બીજી મેચ એડિલેડમાં રમાવાની છે, જેમાં ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાને આમાં વધારે અનુભવ નથી, તેથી આ મેચ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહી છે. જો કે આ મેચમાં હજુ લગભગ 1 સપ્તાહ બાકી છે. તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે ભારતીય ક્રિકેટ લવર્સને ખુશ કરી દેશે પરંતુ ઓસ્ટ્રેલિયાનું ટેન્શન વધી જવાનું.
શુભમન ગિલ સ્વસ્થ !
પિંક બોલ ટેસ્ટ પહેલા રોહિત શર્માની ટીમ ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય ડે-નાઈટ પ્રેક્ટિસ મેચ રમશે. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે યોજાનારી આ મેચ માટે ખેલાડીઓ કેનબેરા પહોંચી ગયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે નંબર 3 પર રમી રહેલો શુભમન ગિલ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. અંગૂઠામાં ઈજાના કારણે તે પર્થ ટેસ્ટમાં ભાગ લઈ શક્યો નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે હવે ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. તેના અંગુઠા પરની પટ્ટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે
નેટ્સમાં થ્રો ડાઉન ઉપરાંત ગિલે ટીમના ઝડપી બોલર આકાશ દીપ, હર્ષિત રાણા અને યશ દયાલ સામે બેટિંગ કરી હતી. તેની વાપસી ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની રહેશે. કારણ કે તે લાંબા સમયથી નંબર 3 પર બેટિંગ કરી રહ્યો છે. આ સિવાય તેની પાસે ઓસ્ટ્રેલિયામાં બેટિંગનો અનુભવ છે. ગિલે ઓસ્ટ્રેલિયામાં 3 મેચમાં 51ની એવરેજથી 259 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. ગિલની ગેરહાજરીમા દેવદત્ત પડિક્કલએ તેમનું સ્થાન લીધું હતું.
શું ગિલ પ્રેક્ટિસ મેચ રમશે?
શુભમન ગિલ ભારતીય ટીમના નેટ સેશન દરમિયાન બેટિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તે ડે-નાઈટ પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે કે નહીં તે અંગે કોઈ અપડેટ બહાર આવ્યું નથી. જો કે એડિલેડમાં યોજાનારી મેચમાં તે રમે તેવી તમામ શક્યતાઓ છે. ભારતીય ટીમ 29 નવેમ્બરે કેનબેરામાં પ્રેક્ટિસ કરશે. આ પછી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે બે દિવસીય મેચ રમ્યા પછી 2જી ડિસેમ્બરે એડિલેડ જવા રવાના થશે.