મેલબોર્નમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માના ડાબા ઘૂંટણ અને ઝડપી બોલર આકાશદીપના હાથમાં ઈજા થઈ હતી. જોકે, બાદમાં આકાશદીપે કહ્યું હતું કે ઈજા ગંભીર નથી અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ પહેલા ફિટનેસની કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો નથી.
કેટલી ગંભીર છે રોહિત શર્માની ઈજા?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન થ્રો ડાઉનનો સામનો કરતી વખતે આ બંને ખેલાડીઓને ઈજા થઈ હતી. આ બંને ખેલાડીઓ કંઈક અંશે અસહજ દેખાઈ રહ્યા હતા. રોહિત શર્માએ તેના ડાબા ઘૂંટણમાં ઈજા હોવા છતાં બેટિંગ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી પરંતુ બાદમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. તે થોડી વાર ખુરશી પર પગ ફેલાવીને બેઠો અને પછી ચુપચાપ ચાલ્યો ગયો હતો.
ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કર્યો મોટો ખુલાસો
રોહિત શર્માની સ્થિતિ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આકાશે કહ્યું કે પ્રેક્ટિસ દરમિયાન તેને નાની ઈજા થઈ છે. આકાશદીપે કહ્યું, ‘જ્યારે તમે ક્રિકેટ રમો છો ત્યારે આવી નાની-મોટી ઇજાઓ સામાન્ય બાબત છે. મને લાગે છે કે પ્રેક્ટિસ માટે તૈયાર કરવામાં આવેલી આ વિકેટ સફેદ બોલ ક્રિકેટ માટે છે અને તેથી જ કેટલાક બોલ તેના પર નીચા રહ્યા હતા.
‘આ પ્રકારની ઈજા સામાન્ય છે’
આકાશદીપે કહ્યું, ‘પ્રેક્ટિસ દરમિયાન આવી ઇજાઓ સામાન્ય છે. ઈજાને લઈને કોઈ મોટી ચિંતા નથી.’ પુત્રના જન્મને કારણે રોહિત પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો, પરંતુ ત્યારપછી તેણે આગામી બે મેચમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. વર્તમાન બોર્ડર ગાવસ્કર સિરીઝમાં તે અત્યાર સુધી ત્રણ ઇનિંગ્સમાં માત્ર 19 રન જ બનાવી શક્યો છે. શનિવારે ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલને પણ હાથમાં ઈજા થઈ હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે.