ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ફરી એકવાર વરસાદને કારણે 13.2 ઓવર જ રમાઈ શકી હતી, પરંતુ બીજા દિવસે વરસાદે કોઈ પરવા કરી ન હતી. બીજા દિવસે લગભગ 78 ઓવરની રમત થઈ.
ત્રીજા દિવસે ફરી એકવાર વરસાદે ખેલાડીઓને હેરાન કર્યા છે અને વરસાદને કારણે રમતના લગભગ બે સેશન બગડી ગયા. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમ પ્રથમ દાવના આધારે 394 રનથી પાછળ હતી.
ભારતને ઈનિંગ્સની શરૂઆતમાં જ મોટો ઝટકો
ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે તેના સ્કોરમાં 40 રન ઉમેર્યા હતા અને તેનો દાવ 445 રન પર સમાપ્ત થતાં જ વરસાદ શરૂ થયો હતો. લગભગ અડધો કલાક રાહ જોયા બાદ ભારતનો દાવ શરૂ થયો અને ભારતે બીજા બોલ પર જ યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી દીધી. આ પછી શુભમન ગિલ પણ ઈનિંગ્સની ત્રીજી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો અને આ બંને વિકેટ મિચેલ સ્ટાર્કે લીધી હતી. આઠમી ઓવરના બીજા બોલ પર વિરાટ કોહલી પણ આઉટ થયો.
કોહલીની વિકેટ પડતાની સાથે જ વરસાદ ફરી એક વાર આવ્યો અને પછી અમ્પાયરોએ લંચની જાહેરાત કરી. લંચ પછી મેચ શરૂ થઈ અને માત્ર સાત બોલ ફેંકાયા બાદ વરસાદ પાછો ફર્યો. 40 મિનિટના વિરામ બાદ મેચ ફરી શરૂ થઈ હતી અને 3.5 ઓવરની બોલિંગ બાદ ફરી વરસાદ આવ્યો હતો અને આ વખતે પણ અડધા કલાકનો વિરામ હતો.
રિષભ પંતની પડી વિકેટ, વરસાદે રમત અટકાવી
મેચ શરૂ થતાં જ ભારતે ચોથા બોલ પર રિષભ પંતની વિકેટ ગુમાવી દીધી હતી. પંતના આઉટ થયા બાદ વરસાદ ફરી પરત ફર્યો ત્યારે માત્ર બે બોલ ફેંકાયા હતા. આ વિરામ દરમિયાન અમ્પાયરોએ ‘ટી’નો સમય જાહેર કર્યો હતો. આ વખતે બે કલાકથી વધુ સમય માટે રમત અટકાવી દેવામાં આવી હતી અને પછી મેચ શરૂ કરવામાં આવી હતી. 2.5 ઓવર પૂરી થતાની સાથે જ વરસાદ પાછો ફર્યો અને આ વખતે થોડી રાહ જોયા બાદ સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યા.