ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ મેચના પાંચમા દિવસે ચાના વિરામ બાદ મેચ શરૂ થઈ શકી ન હતી. વરસાદ અને ઓછા પ્રકાશને જોતા મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હજુ પણ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે.
બુમરાહની શાનદાર બોલિંગ
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. હેડે 152 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે સ્મિથે 101 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 70 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. આકાશ દીપ અને નીતિશ રેડ્ડીએ 1-1 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયા માટે કેએલ રાહુલનું જોરદાર પ્રદર્શન
ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 260 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાહુલે 139 બોલનો સામનો કરીને 89 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી હતી. જાડેજાએ 123 બોલનો સામનો કરીને 77 રન બનાવ્યા હતા. જાડેજાની આ ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આકાશ દીપે અંતમાં 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શ
ઓસ્ટ્રેલિયાના બીજા દાવ દરમિયાન ભારતીય બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 89 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, આ પછી તેણે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. એલેક્સ કેરીએ અણનમ 20 રન બનાવ્યા હતા. કમિન્સે 22 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી બોલિંગ દરમિયાન બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ લીધી હતી.