ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ગાબા ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત હવે ઘણી મુશ્કેલ માનવામાં આવી રહી છે. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયા ફોલોઓનથી બચી ગઈ હતી. જેમાં આકાશ દીપે મોટી ભૂમિકા ભજવી હતી. ચોથા દિવસે બેટિંગ કરતી વખતે આકાશ દીપે આ ભૂમિકા ભજવી હતી. જોકે, આ દરમિયાન આકાશ દીપે કંઈક એવું કર્યું, જેના પછી તેણે ટ્રેવિસ હેડની માફી માંગવી પડી.
આકાશ દીપે કેમ માંગી માફી?
વાસ્તવમાં ચોથા દિવસે જ્યારે આકાશ દીપ અને જસપ્રીત બુમરાહ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના જોવા મળી હતી. નાથન લિયોન ઇનિંગની 78મી ઓવર ફેંકી રહ્યો હતો અને તેની સામે આકાશ દીપ હતો. ત્યારબાદ નાથનનો એક બોલ આકાશ દીપના પેડ અને ઘૂંટણની વચ્ચે ફસાઈ ગયો. જે બાદ આકાશે બોલ હેડને આપવાને બદલે જમીન પર ફેંકી દીધો, જેના કારણે હેડ થોડો નિરાશ જોવા મળ્યો. ત્યારે આકાશ દીપ ભાનમાં આવ્યો અને તરત જ માથું ટેકવી માફી માંગી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આકાશ દીપે રમી હતી 31 રનની ઇનિંગ
ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને ફોલોઓનનો ખતરો હતો, પરંતુ આકાશ દીપે શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને બચાવી લીધી હતી. આકાશ દીપની બેટિંગ જોઈને વિરાટ કોહલી અને કોચ ગૌતમ ગંભીરથી લઈને આખા ડ્રેસિંગ રૂમમાં બધા જ ઉત્સાહિત થઈ ગયા. આકાશ દીપે પ્રથમ દાવમાં 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ દરમિયાન આકાશ દીપે 2 ચોગ્ગા અને એક શાનદાર સિક્સર ફટકારી હતી.
આ સિવાય પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 260 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવમાં કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ 84 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય બીજી ઈનિંગમાં પણ ટીમ ઈન્ડિયા તરફથી ખૂબ જ ખતરનાક બોલિંગ જોવા મળી હતી.