- ભારતીય મહિલા હોકી ટીમનું શાનદાર પ્રદર્શન
- એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ચોથી જીત મેળવી
- ચોથી મેચમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું
ભારતીય મહિલા હોકી ટીમે મારંગ ગોમકેના જયપાલ સિંહ મુંડા એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ઝારખંડ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રાંચી 2023માં જાપાનને 2-1થી હરાવીને સતત ચોથી જીત હાંસલ કરી હતી. ભારતીય ખેલાડી વંદના કટારિયાએ આ મેચ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. વંદના 300 આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની.
ભારતે જાપનને હરાવ્યું
ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલ ભારત અને જાપાન વચ્ચેની મેચ દરમિયાન જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પરિણામ એ આવ્યું કે બંને ટીમો પ્રથમ હાફમાં એકપણ ગોલ કરી શકી ન હતી. બીજા હાફની શરૂઆત થતાં જ વિશ્વની નંબર-7 ભારતે 31મી મિનિટે નવનીત કૌરે કરેલા ગોલની મદદથી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પરંતુ ભારતીય ટીમ વધુ સમય સુધી પોતાની લીડ જાળવી શકી ન હતી. વિશ્વના 11માં ક્રમાંકિત જાપાને 37મી મિનિટે કાના ઉરાતાના પેનલ્ટી કોર્નર ગોલની મદદથી સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો.
મેચમાં જોવા મળી રોમાંચકતા
ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં જઈને ભારતીય ટીમે ફરી હુમલો કર્યો અને તેની લીડ બમણી કરી. ભારત માટે મેચનો બીજો ગોલ 47મી મિનિટે પેનલ્ટી કોર્નર પર સંગીતા કુમારીએ કર્યો હતો. યજમાન ટીમે પોતાની 2-1ની સરસાઈ જાળવી રાખી અને સતત ચોથી જીત નોંધાવી. ભારતીય ટીમ ચાર મેચમાં 12 પોઈન્ટ સાથે 6 ટીમોના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. જાપાનની ચાર મેચમાં આ પ્રથમ હાર છે અને તે બીજા સ્થાને છે.
આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે
રાઉન્ડ રોબિન લીગ સ્ટેજના આધારે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં યજમાન ભારત ઉપરાંત ચીન, જાપાન, કોરિયા, મલેશિયા અને થાઈલેન્ડની ટીમો સામેલ છે. લીગ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે. ભારત 2016 પછી પ્રથમ ટાઇટલની શોધમાં છે. ભારતીય ટીમે 2013 અને 2018માં સિલ્વર મેડલ જીત્યા છે.