- ભારતીય બેટ્સમેનો સામે શ્રીલંકાના બિનઅનુભવી બોલર્સની આકરી કસોટી થશે
- શુભમન ગિલ અને શ્રોયસ ઐયરના ફોર્મથી કોચ દ્રવિડ અને મેનેજમેન્ટ ચિંતિત બન્યું
- ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં ત્રીજા વર્લ્ડ કપ તરફ ધીમે ધીમે આગળ વધી છે
12 વર્ષ પહેલાં વાનખેડે ખાતે ટાઇટલ જીતીને દેશભરના ક્રિકેટપ્રેમીઓને એપ્રિલમાં દિવાળી મનાવવાની તક આપનાર ભારતીય ટીમ ગુરુવારે શ્રીલંકા સામે વર્લ્ડ કપની લીગ મેચ રમશે ત્યારે આ મુકાબલો એક રીતે કોઈ મતલબ વિનાનો રહેશે. ત્રીજા વર્લ્ડ કપ તરફ ધીમે ધીમે આગળ વધી રહેલી ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને શ્રીલંકા સામે તે વિજય માટેની ફેવરિટ ટીમ તરીકે મેદાનમાં ઊતરશે. સતત છ મેચ જીતી ચૂકેલી રોહિતબ્રિગેડને હજુ સુધી ટૂર્નામેન્ટમાં કોઈ વિશેષ પડકાર મળ્યો નથી. ભારતે રમતના પ્રત્યેક પાસામાં ચેમ્પિયનને છાજે તેવું પ્રદર્શન કર્યું છે. ભારતે કેટલીક મેચમાં કપરી પરિસ્થિતિમાંથી બહાર આવીને સતત મેચો જીતી છે જેના કારણે ખેલાડીઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.
એક યુનિટ તરીકે રમી રહેલી ભારતીય ટીમને હરાવવા માટે હરીફ ટીમોએ ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરવાનો પ્રયાસ કર્યા હતા જે સદંતર નિષ્ફળ રહ્યા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ગેરહાજરીમાં મોહમ્મદ શમીને તક આપી હતી જેણે બે મેચમાં નવ વિકેટ ઝડપીને મેનેજમેન્ટ માટે વધુ એક દ્વિધા ઊભી કરી દીધી છે. સુકાની રોહિત અને કોચ રાહુલ દ્રવિડને ખબર છે કે તેમણે આગામી કેટલીક મોટી મેચો માટે શમીને સુરક્ષિત રાખવો પડશે. હાર્દિક ક્યારે પુનરાગમન કરશે તેનો કોઈને અંદાજો નથી પરંતુ ભારતની યુવા બ્રિગેડનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યો છે. ઓપનર શુભમન ગિલ અને શ્રોયસ ઐયર હજુ સુધી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. શોર્ટ પિચ બોલ આ બંને બેટ્સમેનોની નબળાઈ છે. ઐયરે છ મેચમાં માત્ર એક જ અડધી સદી ફટકારી છે. ઘણી વખત તે ફિનિશરની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે પોતાના હોમગ્રાઉન્ડમાં છેલ્લી નિષ્ફળતાઓને ભૂલી જઈને વધારે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરવો પડશે.
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ તથા શાર્દુલ ઠાકુરનું આ હોમગ્રાઉન્ડ છે. વર્લ્ડ કપમાં 66.33ની સરેરાશથી ભારત માટે સર્વાધિક 398 રન બનાવી ચૂકેલો રોહિત વધુ એક વખત ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવીને ઘરઆંગણાના સમર્થકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. વર્લ્ડ કપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રીલંકન ટીમ વર્લ્ડ કપના મુખ્ય ડ્રોમાં સંપૂર્ણપણે ફ્લોપ રહી છે. જો કે તેને તેના સ્ટાર ખેલાડીઓની ખોટ પણ પડી છે. સદીરા સમરવિક્રમાએ છ મેચમાં સર્વાધિક 331 રન બનાવ્યા છે જેમાં એક સદી સામેલ છે. પાથુમ નિશાન્કાએ પણ સતત ચાર અડધી સદી ફટકારી છે. સુકાની મેન્ડિસ અને ઓલરાઉન્ડર મેથ્યૂઝ જેવા શ્રીલંકા પાસે મેચવિનર ખેલાડીઓ છે. શ્રીલંકાનો બોલર્સે સારો દેખાવ કર્યો છે પરંતુ અનુભવના અભાવના કારણે ભારતીય બેટ્સમેનો સામે તેમની આકરી કસોટી થશે.