મૃત્યુ નહિ, ધ્યેય સિધ્ધી સુધી સંઘર્ષ અને લડતનો માર્ગ જ કલ્યાણ છે…..
ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ. આ નામ સાંભળતાં જ ઘોડે ચઢેલી,હાથમાં તલવાર ચમકાવતી વીરાંગનાનું દ્રશ્ય સ્મૃતિપટલ ઉપર આવે. ઝાંસીની રાણી લક્ષ્મીભાઇ ભારતિય ઇતિહાસનું એવું પ્રેરક પાત્ર છે કે તેની સ્મૃતિ સદાય ઝળહળતી રહેશે. કારણ કે તેમણે સંઘર્ષમાં હથિયારી હેઠા મૂકવાનો માર્ગ પસંદ નહોતો કર્યો.તેમણે હથિયાર ઉપાડવાનો માર્ગ પસંદ કર્યો હતો. અન્યાય સામે લડતનો માર્ગ પસંદ કર્યો હતો. અંગ્રેજોના અન્યાયી કાયદા સામે તેમણે લડત કરી અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા.જે સમયે દેશમાં જવલ્લેજ કોઇ મહિલા હથિયાર ઉઠાવતી હતી. એ સમયે પુરુષ સમોવડી બની ઝાંસીની રાણી લક્ષ્મી બાઇએ હથિયાર ઉપાડયા હતાં.માત્ર રર વર્ષની વયે તેઓ લડતાં લડતાં જ શહિદીને પામ્યા.પરંતુ અંગ્રેજ સામ્રાજ્યના દાંત ખાટા કરી દીધા બાદ શહિદીને વર્યા હતાં.
રાણી લક્ષ્મીબાઇને આજે પ્રાત:સ્મરણ કરી તેમના શૌર્યનું અને સમર્પણનું રસપાન કરવા ઇતિહાસનું એ પૃષ્ઠ ઉથલાવીએ. નામ લક્ષ્મી બાઇ. જન્મ નવેમ્બર ૧૯,
સાલ ૧૮3પ,જન્મ સ્થળ –કાશી,ભારત. મૃત્યુ જુન ૧૭, ૧૮પ૮. મૃત્યુ સમયે વય માત્ર રર વર્ષ. શહિદી સ્થળ -કોઠ કી શાઇ,ગ્વાલિયર નજીક. ઝાંસીની રાણી લક્ષ્મી બાઇને આજે લગભગ ર૦૦ વર્ષ બાદ પણ શા માટે યાદ કરાય છે એવો સવાલ થાય. ઝાંસીના રાણી હતાં લક્ષ્મીબાઇ. અંગ્રેજો સામે ૧૮પ૭-૫૮ના ઐતિહાસિક બળવાના એક સેનાની હતાં. બાજીરાવ પેશ્વા-રના રાજમાં ઉછર્યા. છોકરાઓ સાથે તેમણે માર્શલ આર્ટ અને ખાસ કરીને તલવારબાજીની તાલીમ લઇ અદભૂત કૌશલ્ય પ્રાપ્ત કર્યુ હતું. તેમના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાઓ સાથે થયા હતાં. લગ્નના થોડા સમયમાં જ મહારાજા ગંગાધરનું મૃત્યુ થતાં યુવાન વયે જ લક્ષ્મીબાઇ વિધવા થયા. મહારાજાએ મૃત્યુ પહેલાં તેમને કોઇ સંતાન ન હોવાથી દતક સંતાન તરીકે એક બાળકને લીધો હતો. પરંતુ લોર્ડ ડેલહાઉસીએ દતક સંતાનને ઝાંસી રાજયના વારસદાર તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી ઝાંસી ખાલસા કરવા તરકટ શરૂ કર્યુ.ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક વહિવટદારને રાજયનો કારભાર જોવા નીમી દીધા. માત્ર રર વરસના રાણી લક્ષ્મીબાઇએ વિશાળ અંગ્રેજ સલ્તનતને ઝાંસીનો કબજો ન આપવા મન બનાવી લીધુ. એ સમયે જ દેશમાં અંગ્રેજો સામે આઝાદીના ઐતિહાસિક વિપ્લવનો સંગ્રામ શરુ થઇ ગયો હતો. માત્ર રર વરસની વિધવા યુવતીએ આ વિપ્લવમાં જોડાવા અને અંગ્રેજો સામે લડવાનો માર્ગ પસંદ કરી લીધો હતો.
અંગ્રેજો પાસે તેમણે ઝાંસીનો કબજો માંગવા પડકાર ફેંકી દીધો હતો. તેમના નાનકડા બાળકના હકક માટે લડતનો માર્ગ પસંદ કરી લડત શરૂ કરી હતી. લક્ષ્મીબાઇએ બુંદેલખંડ(યુ.પી.)માં અંગ્રેજો સામે લડવા માટે વિપ્લવી સેનાનો મોરચો સંભાળ્યો. નાના નાના રજવાડાંઓએ પણ તેમની સંગાથે લડતનો માર્ગ પસંદ કર્યો.
હયુજ રોસ નામના અંગ્રેજ અધિકારીના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેનાએ ઝાંસીને ચોમેરથી ઘેર્યુ. અંગ્રેજોની વિરાટ સેના સામે લક્ષ્મીબાઇએ તુમુલ સંઘર્ષ કર્યો. એ સમયે લડત ચાલુ રાખવી જરૂરી હતી. ધ્યેય સિધ્ધી સુધી મૃત્યુ નહિ જીવનની જરૂર છે. હતી.લક્ષ્મીબાઇએ ઝાંસીનો કિલ્લો છોડી સલામત સ્થળે ભુગર્ભમાં જવામાં સફળતાં મેળવી.
ભુગર્ભમાં વિપ્લવની તૈયારી ચાલતી રહી. તાત્યા સાહેબ સાથે બાદમાં રાણી લક્ષ્મીબાઇએ ગ્વાલિયર ઉપર હુમો કરી અંગ્રેજોની તિજોરી અને હથિયારો કબજે કરવામાં સફળતાં મેળવી.ગ્વાલિયર ઉપર કબજો કર્યા બાદ લક્ષ્મીબાઇ પૂર્વ મોરાર કબજે કરવા માટે સૈન્ય સાથે આગળ લડત કરવા નિકળ્યા. આ સમયે તેઓ પુરુષ સૈનિકના સંપૂર્ણ ગણવેશમાં સજજ હતાં. અશ્વ ઉપર અગનશિખા જેવા લક્ષ્મીબાઇએ હયુજ રોઝ સામે તુમુલ જંગ ખેલ્યો.આ યુધ્ધમા તેઓ ગ્વાલિયર નજીક કોટા કી સરાઇ વિસ્તારમાં શહિદીને વર્યા.
રર વર્ષની એક મહારાણીએ રાજપાટ અને ઐશ્વર્યને છોડીને તેમના સંઘર્ષના વાસ્તવિક ઉકેલના માર્ગે વાસ્તવિક લડત આપી ભારતની નારીને ત્રણ ત્રણ નવા માર્ગનું દર્શન કરાવ્યુ. એ સમયે સ્ત્રી સમાનતાનું સાચુ ઉદાહરણ પુરુ પાડયુ. માર્શલ આર્ટ અને તલવાર બાજીમાં નિપુણતા મેળવી આત્મરક્ષણનું અદભૂત ઉદાહરણ દાખવ્યુ. દેશને અંગ્રેજોના અત્યાચારી શાસન સામે લડાયક (કોઇ સમાધાન ન કરે ન માત્ર મૃત્યુને વરે પરંતુ આઝાદી માટે અંગ્રેજો સામે લડી તેમની માનસિકતાને કચડી નાંખે એવા લોખંડી યોધ્ધાઓની જરૂર હતી તેવી) ભૂમિકા નિભાવી. પલાયન નહિ પડકાર એ પલાયન નહિ પડકારો સામે સંઘર્ષની એ રાણી હતાં. ભારતવર્ષને સદાય આવા અદભૂત પ્રેરણા સ્ત્રોત મહિલાની જરૂર રહેશે. જયારે જયારે સંઘર્ષ આવ્યો છે ત્યારે ત્યારે અંધકાર ભરી રાત્રી બાદ આવો સૂર્યોદય થતો રહે છે.