જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક ડિપ્લોમેટીક પગલાંથી પાકિસ્તાન હચમચી ઉઠ્યુ છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો અને આ સાથે જ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પણ ઈમરજન્સી બેઠક યોજીને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બાદ પાકિસ્તાને ભારતના દરેક નિર્ણયનો જવાબ આપવાની ચેતવણી આપી છે.
પાકિસ્તાન સુધરવાનું નથી લઈ રહ્યું નામ
NSCની બેઠકમાં પાકિસ્તાને કહ્યું કે જો ભારત પોતાનું આક્રમક વલણ છોડશે નહીં તો તે શિમલા કરાર સહિત તમામ દ્વિપક્ષીય કરારો રદ કરવાનું પગલું ભરશે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતના પગલાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓનું ઉલ્લંઘન છે. પાકિસ્તાન સરકારે આરોપ લગાવ્યો હતો કે ભારત દ્વારા સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે રદ કરવી એ યુદ્ધ સમાન છે અને તેનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે.
સિંધુ કરાર પર બેઠકમાં શું થયું?
તમને જણાવી દઈએ કે પાકિસ્તાને સિંધુ જળ સંધિ અટકાવવાના ભારતના નિર્ણયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આ સંધિ એક આંતરરાષ્ટ્રીય કરાર છે, જે વિશ્વ બેન્કની મધ્યસ્થી હેઠળ કરવામાં આવ્યો હતો અને ભારત તેને એકપક્ષીય રીતે સ્થગિત કરી શકે નહીં. પાકિસ્તાને એવી પણ ચેતવણી આપી કે જો ભારત સિંધુ નદીનું પાણી રોકવાનો કે વાળવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને તેનો જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાને વાઘા બોર્ડર પણ બંધ કરી દીધી
બેઠક બાદ પાકિસ્તાને વાઘા બોર્ડર તાત્કાલિક અસરથી બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે અને તમામ પ્રકારના વ્યવસાય અને નાગરિકની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિઓ’ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય હાઈ કમિશનના સ્ટાફની સંખ્યા 30 સુધી ઘટાડી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારત માટે એરસ્પેસ પણ બંધ કર્યુ
પાકિસ્તાને સાર્ક વિઝા માફી યોજના હેઠળ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા તાત્કાલિક અસરથી રદ કર્યા છે. ફક્ત શીખ યાત્રાળુઓને જ આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે પોતાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હવે કોઈ પણ ભારતીય વિમાન પાકિસ્તાનમાં પ્રવેશી શકશે નહીં કે તેના ઉપરથી ઉડી શકશે નહીં.