- ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- ભારત આજની મેચ જીતશે તો સેમીફાઈનલમાં પહોંચશે
ભારતની ઈનિંગ
60/1 (10 ઓવર)- શ્રીલંકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં શ્રીલંકાને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 28 બોલમાં 28 રન કરીને અને શુભમન ગિલ 30 બોલમાં 22 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 3 ઓવરમાં 8, કાસુન રાજિથાએ 2 ઓવરમાં 15 અને એન્ઝેલો મેથ્યુઝે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.
25/1 (5 ઓવર)- ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 12 બોલમાં 9 રન કરીને અને વિરાટ કોહલી 16 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 2 મેડન ઓવર નાખી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતની ઓપનિંગ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓપનર શુભમન ગિલ ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આજે મેચ જીતશે, તો ટીમ સીધી સેમીફાઈનલમાં પહોંચશે.
શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપની 33મી મેચ રમવામાં આવશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટોસ થયો છે. જે શ્રીલંકાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત આજે મેચ જીતશે, તો સેમીફાઈનલમાં પહોંચશે.
આજે ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાની સેમીફાઇનલની ટિકિટ સુરક્ષિત કરવા પર રહેશે. અત્યાર સુધી તે આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે પોતાની તમામ મેચોમાં એકતરફી જીત નોંધાવી છે. એટલે કે જીતનો રેકોર્ડ 100% રહ્યો છે. ટીમ ઈન્ડિયા આજે પણ આવું જ પ્રદર્શન ચાલુ રાખે તેવી અપેક્ષા છે. જો કે, ટીમ ઈન્ડિયા જે મેદાન પર સ્પર્ધા કરવા જઈ રહી છે, તેની જીતની ટકાવારી વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાના જીતના રેકોર્ડ કરતા થોડી નબળી છે.
વાનખેડે સ્ટેડિયમમાં મેચ
ભારત અને શ્રીલંકાની ટીમો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. ભારતીય ટીમે અહીં અત્યાર સુધી 20 વનડે મેચ રમી છે. 1987થી 2023 વચ્ચે રમાયેલી આ મેચોમાં ટીમ ઈન્ડિયા માત્ર 11માં જ જીતી શકી છે. સાથે ભારતીય ટીમની 9 મેચમાં હાર થઈ છે. એટલે કે, અહીં ટીમ ઈન્ડિયાનો જીતનો રેકોર્ડ માત્ર 55% રહ્યો છે. શ્રીલંકાએ પણ અહીં 5 મેચ રમી છે. તેણે 2 જીતી છે અને 3 મેચમાં હાર થઈ છે.
વાનખેડેમાં 25 વનડે મેચ રમાઈ
આ મેદાન પર 25 વનડે મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 14 વખત જીતી છે. આ સાથે જ 11 વખત પીછો કરનારી ટીમની જીત થઈ છે. એટલે કે ટોસની ભૂમિકા મહત્વની સાબિત થઈ નથી. જો કે, આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અહીં રમાયેલી બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે મોટી જીત પ્રાપ્ત કરી છે.
વાનખેડે મેદાનના કેટલાક વિશેષ આંકડા
વાનખેડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેણે અહીં 11 મેચમાં 455 રન બનાવ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ વેંકટેશ પ્રસાદે લીધી છે. તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી છે. અહીં બેટ્સમેન હેનરિક ક્લાસેન સૌથી વધુ સિક્સ ફટકારનારો બેટ્સમેન છે. તેણે માત્ર બે મેચમાં 12 સિક્સ ફટકારી છે. ક્લાસને આ વર્લ્ડકપની બે મેચમાં આ તમામ સિક્સ ફટકારી છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ
શ્રીલંકા- પથુમ નિસાંકા, ડિમુથ કરૂણારત્ને, કુસલ મેન્ડિસ(કેપ્ટન), સદિરા સમરવિક્રિમા, ચરિથ અસલાંકા, એન્ઝેલો મેથ્યૂઝ, દુશન હેમંથા, મહેશ તીક્ષ્ણા, કાસુન રાજિથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા