કેરળના પલક્કડ જિલ્લાના કોલંગોડની 36 વર્ષીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પણ નિમિષાની ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે. જો નિમિષાને જલ્દી મદદ નહીં મળે તો જલ્દી જ તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. ચાલો જાણીએ કે નિમિષા પ્રિયાને શા માટે ફાંસીની સજા આપવામાં આવી છે અને યમનમાં મોતની સજા કેવી રીતે આપવામાં આવે છે? કેવી રીતે તે આમાંથી બચી શકે છે?
નિમિષા પ્રિયા 2008માં પોતાના માતા-પિતાને મદદ કરવા યમન ગઈ હતી. ત્યાં તેણે ઘણી હોસ્પિટલોમાં કામ કર્યું હતું. 2011 માં તેણે ટોની થોમસ સાથે લગ્ન કરી અને યેમેન પરત ફરી હતી. યેમેન આવી પોતાનું નર્સિંગ ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. યેમેનના સ્થાનિક કાયદા મુજબ, કોઈપણ વ્યવસાય શરૂ કરતા માટે સ્થાનિક લોકો સાથે ભાગીદારી કરવી ફરજિયાત છે. આવી સ્થિતિમાં તે તલાલ અબ્દો મહદીના સંપર્કમાં આવી અને ક્લિનિક ખોલવામાં આવ્યું. બંનેએ ક્લિનિક શરૂ કર્યું પરંતુ વર્ષ 2017માં તેમની વચ્ચે વિવાદ શરૂ થયો.
પ્રિયાનો દાવો
નિમિષા પ્રિયાએ જણાવ્યું હતું કે તલાલ અબ્દો તેનો પતિ હોવાનો ઢોંગ કરતો હતો અને તેનો પાસપોર્ટ લઈ લીધો હતો. પ્રિયાએ એવો પણ દાવો કર્યો છે કે તલાલ અબ્દો મહદી તેને ભાગીદારીના બદલામાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પ્રિયાએ તેનો જપ્ત કરેલો પાસપોર્ટ પાછો મેળવવા માટે, કથિત રીતે મહદીને કેટમાઇન ઈન્જેક્શન આપ્યું હતું. પરંતુ એનેસ્થેટિક ઈન્જેક્શનના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ પછી નિમિષાએ યમનમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. 2018 માં આ કેસ કોર્ટમાં ગયો અને તેને હત્યા માટે દોષી ઠેરવવામાં આવી. 2020 માં, ટ્રાયલ કોર્ટે નિમિષાને મૃત્યુદંડની સજા સંભળાવી હતી અને 2023 માં, યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે પણ મૃત્યુદંડને સમર્થન આપ્યું હતું. આ પછી ખુદ રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી હતી.
કેવી રીતે અપાય છે મૃત્યુદંડ
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ, યમનમાં માત્ર એક મહિનાની અંદર મૃત્યુદંડની સજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો નિમિષાને કોઈ મદદ નહીં મળે તો આગામી દિવસોમાં તેને સજા થઈ શકે છે. જો કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે નિમિષા પ્રિયાને યમનમાં દોષિત ઠેરવવાથી વાકેફ છીએ. અમે સમજીએ છીએ કે પ્રિયાના પરિવાર વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. સરકાર આ મામલે તમામ શક્ય મદદ કરી રહી છે. દરેક દેશમાં મૃત્યુદંડ અલગ અલગ રીતે આપવામાં આવે છે. ભારતમાં ફાંસી આપવામાં આવે છે પણ યમનમાં એવું નથી. યમનમાં, દોષિતોને ગોળી મારીને મૃત્યુદંડ આપવામાં આવે છે. ક્યારેક એવું પણ બને છે કે કોઈ વ્યક્તિને જાહેર સ્થળે ફાંસી આપવામાં આવે છે.
શું છે બીજો વિકલ્પ ‘બ્લડ મની’?
યમન ઇસ્લામિક શરિયા કાયદાનું પાલન કરે છે, જેમાં લોહીના નાણાંનો(બ્લડ મની) સમાવેશ થાય છે. આ વ્યવસ્થા હેઠળ હત્યાનો ભોગ બનેલી વ્યક્તિનો પરિવાર આર્થિક વળતરના બદલામાં દોષિત વ્યક્તિને માફ કરી શકે છે. પ્રિયાના સમર્થકો હવે લોહીના પૈસા(બ્લડ મની) ચૂકવવા અને તેની મુક્તિ સુરક્ષિત કરવા માટે પૂરતા પૈસા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રિયાનો પરિવાર યેમેન જઈ તલાલના પરિવારને જઈ મળી પણ આવ્યો છે. પરંતુ કોઈ હકારાત્મક જવાબ મળ્યો ન હતો. તેમ છતાં વાટાઘાટો માટે યમનમાં ભારતીય દૂતાવાસને મોકલ્યો છે.
પ્રિયાના સમર્થકો દ્વારા 4000 ડોલર એકત્ર થઈ ચૂક્યા છે.જો કે, માફી મેળવવા માટે જરૂરી સંપૂર્ણ રકમ આશરે $400,000 હોવાનો અંદાજ છે, જે એક વિશાળ રકમ છે અને પરિવાર તે એકત્ર કરવા માટે દોડધામમાં છે. ત્યારબાદ આ વાટાઘાટોનું પરિણામ નક્કી કરશે કે પ્રિયાને જીવનદાન મળે છે કે મૃત્યુ..!?