પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો
Share
SHARE
અવની પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની
પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.અવનીને 2012 માં, 11 વર્ષની ઉંમરે, કાર અકસ્માત થયો હતો.અકસ્માત બાદ સંપૂર્ણ પેરાપ્લેજિયાથી પીડાય છે. પેરાપ્લેજિયા એ કરોડરજ્જુની ઇજા છે જે નીચલા અંગોને લકવો કરે છે. તે કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાનમાં પરિણમે છે. આમ છતાં અવની એ હિંમત હારી નહોતી અને કંઈક કરી બતાવવા એર રાઇફલ માં માસ્ટરી મેળવી જેમાં માતા-પિતાએ ભરપૂર સહયોગ આપ્યો જેનું પરિણામ છે અવની એ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
22 વર્ષની અવની લાખેરાએ પેરાલિમ્પિક્સમાં 249.7 પોઈન્ટ બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવની પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ સિવાય તે પેરાલિમ્પિક્સમાં 3 મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની, આ પણ એક અનોખો રેકોર્ડ છે.
ત્રણ વર્ષ પહેલાં, અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં તેના પ્રદર્શનથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ અને 50 મીટર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ગોલ્ડ જીતવા બદલ અવની લેખારાને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. અભિનંદન સાથે જણાવ્યું છે કે “તેણે ઈતિહાસ પણ રચ્યો, તે 3 પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. તેમનું સમર્પણ ભારતને ગર્વ કરાવે છે”.
પેરિસ પેરાલિમ્પિક્સના પાંચ મહિના પહેલા, 22 વર્ષની શૂટર અવની લેખારાએ પિત્તાશયની પથરી દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. આ દર્દના કારણે તેની ટ્રેનિંગ પર પણ અસર પડી હતી. તેથી માર્ચમાં તેણે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આ ઓપરેશન બાદ તેણે પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હિંમત અને સાહસનો ઉદાહરણ છે અવની લખેરા. અનેક લોકો માટે પ્રેરણા રૂપ છે અવની. પેરા ઓલિમ્પિકમાં ખૂબ જ સુંદર પ્રદર્શન દ્વારા તેણે સફળતા મેળવી છે.