- નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં ખુલાસો થયો
- જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું ખુલ્યું
- અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે
અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ થઇ છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં ખુલાસો થયો છે. ત્યારે જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું ખુલ્યું છે. અંબાજી પોલીસ આરોપીને લઈ અમદાવાદ આવવા રવાના થઇ છે. અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે.
નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઈ અંબાજી પોલીસ અમદાવાદ રવાના
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મુદ્દે પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઈ અંબાજી પોલીસ અમદાવાદ રવાના થઇ છે. અંબાજી પોલીસ આરોપીને લઈ નીલકંઠ ટ્રેડર્સ જશે અને આરોપીએ ઘીનો જથ્થો ક્યાંથી ખરીદ્યો એ પણ તપાસ કરશે. આરોપી જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદમાંથી જ ખરીદ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. અંબાજી પોલીસ અમદાવાદમાંથી વધુ એક ઘીના વેપારીની ધરપકડ કરી શકે છે.
‘અમૂલ’ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ
બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રસાદ માટેનું ઘી મોકલાવી રહેલી એક ખાનગી પેઢી વિરુદ્ધ ‘અમૂલ’ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ દાખલ કરાઈ છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને મંદિરને સપ્લાય કરાયેલા ઘીના નમૂના લીધા હતા અને એ ઘી પરીક્ષણ દરમિયાન ગણવત્તાના માપદંડો પર ખરું ઊતર્યું ન હતુ. અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને થોડા સમય પહેલાં પણ વિવાદ થયો હતો.સંચાલકો દ્વારા મંદિરની આગવી ઓળખ સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ હતી, જેના કારણે ભક્તોમાં મોટા પ્રમાણમાં નારાજગી ફેલાઈ હતી.
વિવાદ થયા બાદ મંદિરમાં ચીકી સાથે મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવ્યો
આ મામલે ભારે વિવાદ થયા બાદ મંદિરમાં ચીકી સાથે મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે સદીઓથી મોહનથાળનો ભોગ અંબાજીને ધરવાની પરંપરા રહી છે. આ વખતે ફરિયાદ અનુસાર મોહિની કેટરર્સ અને તેની સાથે જોડાયેલા અજાણ્યા લોકો ઉત્પાદક તરીકે સાબર ડેરીના નકલી લેબલ મારીને ઘીના ડબ્બાનો સપ્લાય કરતા હતા. મોહિની કેટરર્સને આરાસુરી અંબાજીમાતા દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. એટલે કે પરીક્ષણમાં ફેલ ગયેલા આ ઘીમાંથી જ પ્રસાદ બનતો હતો. પોલીસે આઇપીસીની કલમો 420 (છેતરપિંડી), 482 અને 120-બી હેઠળ ફરિયાદ નોંધી છે.