પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જુનૈદ ખાને IPL 2025 માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં ઈશાન કિશનના વિવાદાસ્પદ આઉટ પર કોમેન્ટ કરી છે. પાકિસ્તાની ખેલાડીની કોમેન્ટ આ વિવાદમાં આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે. જુનૈદ ખાને કિશનના આઉટ થયાની વીડિયો ક્લિપ ટ્વીટ કરી અને લખ્યું, “દાળમાં કંઈક કાળું છે.”
ઈશાન આઉટ થયા વિના પેવેલિયન પરત ફર્યો
બુધવારે IPLમાં રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં ઈશાન કિશનની વિકેટ વિવાદાસ્પદ રહી હતી. હકીકતમાં, તે દીપક ચહરની અપીલ વિના અને અમ્પાયરના નિર્ણય પહેલાં ક્રીઝ છોડવા લાગ્યો, ત્યારબાદ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. ઈશાને DRS પણ માંગ્યો ન હતો, જ્યારે રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટના સંપર્કમાં આવ્યો ન હતો.
જુનૈદ ખાને સાધ્યું નિશાન
35 વર્ષીય જુનૈદ ખાને ઈશાન કિશનની વિકેટનો વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું છે કે ‘દાળમાં કંઈક કાળું છે.’ આ સાથે, તેને MI Vs SRH ની સાથે MS Vs IU હેશટેગનો પણ ઉપયોગ કર્યો. હકીકતમાં, ઈસ્લામાબાદ યુનાઈટેડે ગઈકાલે PSLમાં રમાયેલી મેચ 7 વિકેટથી જીતી હતી.
બુધવારે પીએસએલમાં પ્રથમ બેટિંગ કરતા મુલ્તાન સુલ્તાન્સે 168 રન બનાવ્યા, ઈસ્લામાબાદ યુનાઈટેડે 17 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 7 વિકેટે જીત મેળવી. મુંબઈ ઈન્ડિયન્સે 26 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી.
સોશિયલ મીડિયા પર પણ ઉભા થયા સવાલો
સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ ઈશાન કિશનને પણ સવાલ કરી રહ્યા છે કે જ્યારે બોલ તેના બેટ પર ન લાગ્યો તો તેને ક્રીઝ કેમ છોડી દીધી. અને જો અમ્પાયરે ખોટો નિર્ણય લીધો અને તેને આઉટ જાહેર કર્યો, તો પછી ઈશાને DRS કેમ ન લીધો? સનરાઈઝર્સ હૈદરાબાદ આ મેચ ખરાબ રીતે હારી ગયું અને હવે તેમના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ
સનરાઈઝર્સ હૈદરાબાદ 8 માંથી ફક્ત 2 મેચ જીતી શક્યું છે. વિસ્ફોટક બેટ્સમેનોથી ભરેલી હૈદરાબાદ ટીમની બેટિંગે આ સિઝનમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ઈશાને પહેલી મેચમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તે નિષ્ફળ ગયો છે. ઈશાને અત્યાર સુધી રમાયેલી 8 ઈનિંગ્સમાં ફક્ત 139 રન બનાવ્યા છે, જ્યારે પહેલી જ મેચમાં તેને 106 રન બનાવ્યા હતા.