28 એપ્રિલનો દિવસ ભારતના દિગ્ગજ ક્રિકેટર આર. અશ્વિન માટે ખૂબ જ ખાસ હતો. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા અશ્વિનને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 28 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેને આ એવોર્ડ એનાયત કર્યો છે.
અશ્વિનનું નામ ખાસ લિસ્ટમાં હતું સામેલ
આ ખાસ પ્રસંગે, સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મોટી હસ્તીઓ પણ હાજર રહી હતી. અશ્વિન હવે આ મોટું સન્માન મેળવનારા ભારતીય ક્રિકેટરોના લિસ્ટમાં જોડાઈ ગયો છે. આ એવોર્ડ મેળવનાર તે 40મો ભારતીય ક્રિકેટર બન્યો. તેના પહેલા સચિન તેંડુલકર, ઝહીર ખાન અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજોને પણ આ સન્માન મળ્યું છે.
અશ્વિનની સાથે હોકી સ્ટાર આર શ્રીજેશને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023 માં, આ સન્માન ક્રિકેટ કોચ ગુરચરણ સિંહને આપવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમી છેલ્લી મેચ
આર. અશ્વિનને ભારતીય ક્રિકેટ ઈતિહાસના બેસ્ટ સ્પિન બોલરોમાંના એક ગણવામાં આવે છે. તેને લાંબા સમય સુધી પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને ઘણી યાદગાર જીત અપાવી. અશ્વિને ગયા વર્ષે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યારબાદ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
પરંતુ નિવૃત્તિ પછી પણ, અશ્વિન IPLમાં ક્રિકેટ રમી રહ્યો છે. તે હાલમાં IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે અને લીગમાં પોતાનો અનુભવ બતાવી રહ્યો છે.
IPL 2025માં આર. અશ્વિનનું પ્રદર્શન
આર. અશ્વિને અત્યાર સુધી રમાયેલી IPL 2025 ની 7 મેચમાં 5 વિકેટ લીધી છે. IPL 2025 માં અશ્વિનનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું નથી. તે CSK માટે બહુ કંઈ કરી શક્યો નથી.