આ દિવસોમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની ત્રીજી મેચ ગાબામાં રમાઈ રહી છે. આ સીરીઝમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મોંઘો ખેલાડી પણ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમી રહ્યો છે. જે ગાબા ટેસ્ટના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. હા, અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની. જે ગાબા ટેસ્ટના ચોથા દિવસે પ્રથમ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થઈને મેદાન છોડી ગયો હતો. જેને ઓસ્ટ્રેલિયા માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
RCBનું વધી શકે છે ટેન્શન
જોશ હેઝલવુડ પણ આ વખતે IPL 2025 મેગા ઓક્શનનો ભાગ હતો, તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેગા ઓક્શન દ્વારા આ ડેશિંગ ફાસ્ટ બોલર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. RCBએ આ ખેલાડીને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ વખતે મેગા ઓક્શનમાં હેઝલવુડ RCBનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. આવી સ્થિતિમાં જો હેઝલવુડની ઈજા વધુ ગંભીર છે અને તેની સર્જરી કરાવવી પડશે તો આ ખેલાડી લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે. જે આગામી સિઝનમાં RCB માટે મોટો ફટકો બની શકે છે.
IPLમાં ઘણી વખત થયું આવુ
આ પહેલા પણ IPLમાં ઘણી વખત આવું જોવા મળ્યું છે. જ્યારે ખેલાડીઓ સિઝન શરૂ થાય તે પહેલા જ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. આ બેન સ્ટોક્સ સાથે પણ જોવા મળ્યું હતું, જેમને CSKએ રૂ. 16 કરોડ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા, પરંતુ સ્ટોક્સ આખી સિઝનમાંથી બહાર હતો. આવી સ્થિતિમાં, RCB ચાહકો ઈચ્છે છે કે જોશ હેઝલવુડ જલ્દી ફિટ થઈને મેદાનમાં પરત ફરે.
વિરાટને કર્યો હતો આઉટ
જોશ હેઝલવુડ ઈજાના કારણે એડિલેડ ટેસ્ટ રમી શક્યો ન હતો. જે બાદ તેણે ગાબા ટેસ્ટમાં વાપસી કરી અને ફરી એકવાર ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા. પ્રથમ દાવમાં જોશ હેઝલવુડે શાનદાર બોલિંગ કરીને વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. કોહલી માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો.