IPL 2025 ની 47મી મેચ સોમવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. બંને ટીમો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે ટકરાશે. ટોસ અડધો કલાક વહેલો થશે. આ RR માટે કરો યા મરો જેવી મેચ છે. જો આજે રાજસ્થાન ગુજરાત સામે હારી જાય છે, તો પ્લેઓફમાં પહોંચવાની તેની આશા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આરઆર અત્યાર સુધી નવ મેચમાંથી સાત મેચ હારી ચૂક્યું છે. RR છેલ્લી પાંચ મેચોમાં સતત હારનો સામનો કરી રહ્યું છે અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તેના ફક્ત ચાર પોઈન્ટ છે. રાજસ્થાન ઘરઆંગણે ગુજરાત સામે બદલો લેવાનો પ્રયાસ કરશે. ચાલુ સિઝનમાં 9 એપ્રિલે અમદાવાદમાં બંને વચ્ચે ટક્કર થઈ ત્યારે GT એ RR ને 58 રનથી હરાવ્યું. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની GT 8 મેચમાંથી 6 જીત સાથે ટેબલમાં બીજા ક્રમે છે. GT જીત મેળવ્યા પછી પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક જશે. ગુજરાતના ખાતામાં હાલમાં 12 પોઈન્ટ છે.