ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગને કારણે, મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. આ MIનો સતત ચોથો વિજય છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 143 રન બનાવ્યા હતા.
જવાબમાં, મુંબઈએ 15.4 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ મુંબઈ ઈન્ડિયન્સનો સતત ચોથો વિજય છે. ટીમે હવે 9 માંથી 5 મેચ જીતી છે. MI એ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે.
144 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ રોહિતે પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું. પાવરપ્લેમાં મુંબઈએ એક વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા. રોહિત શર્માએ 35 બોલમાં અડધી સદી ફટકારી. 9 વર્ષ પછી, રોહિતે IPLમાં સતત અડધી સદી ફટકારી.
રોહિત શર્માની તોફાની ઈનિંગ
રોહિત શર્માએ 46 બોલમાં 70 રનની તોફાની ઈનિંગ રમી. હિટમેનના બેટમાંથી 8 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા. સૂર્યકુમાર યાદવ 19 બોલમાં 40 રન બનાવી અણનમ રહ્યા. તેને 5 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. વિલ જેક્સે 19 બોલમાં 22 રનની ઈનિંગ રમી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ટીમનો નેટ રન રેટ આજે ઘણો પ્રભાવશાળી બની ગયો છે.
SRH ની ખરાબ શરૂઆત
આ પહેલા ટોસ હાર્યા બાદ ઘરઆંગણે પ્રથમ બેટિંગ કરવા આવેલા SRH ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટ્રેવિસ હેડ 00, અભિષેક શર્મા 08, ઈશાન કિશન 01, નીતિશ કુમાર રેડ્ડી 02 અને અનિકેત વર્મા 12 રન બનાવીને આઉટ થયા હતા. હૈદરાબાદે માત્ર 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, હેનરિક ક્લાસેન અને અભિનવ મનોહરે જવાબદારી સંભાળી અને ટીમનું સન્માન બચાવ્યું.
ક્લાસેન 44 બોલમાં 71 રન બનાવ્યા. તેના બેટમાંથી 9 ચોગ્ગા અને બે છગ્ગા લાગ્યા. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા મનોહરે 37 બોલમાં 43 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ બંનેના કારણે હૈદરાબાદનો સ્કોર 140 થી વધુ પહોંચ્યો. પરંતુ આ વિકેટ પર આ રન પૂરતા ન હતા.