છેલ્લા થોડા સમયથી કલેકટર તંત્ર અને પોલીસ તંત્ર ચુંટણીની તૈયારીમાં છે. ખાસ કરીને ચૂંટણી પ્રચાર અને વી.વી.આઇ.પી.ઓની સુરક્ષા સહિતમાં પોલીસની ઘણી બધી વ્યવસ્થા રોકાઇ જાય છે. આવા સંજોગોમા પોલીસ ફોર્સ સામાન્ય લો એન્ડ ઓર્ડરને ઇન ઓર્ડર રાખવામાં પડકાર અનુભવે છે. કયાંક દિવા’ની દાઝે કોડિયાને બટકાં ભરાઇ જાય છે. રાજકોટમાં પોલીસ મારથી મૃત્યુનો કેસ ટોચના અધિકારીઓએ હળવાશથી લીધો હોય તેવું લાગે છે. પોલીસ મારથી મૃત્યુની પ્રથમ ઘટના બાદ રોષે ભરાયેલા દલિત સમાજના લોકોનો રોષ શાંત પડી ગયો ત્યાર બાદ એ.એસ.આઇ. કાનગડની ધરપકડમાં થયેલો વિલંબ અને પગલાં લેવામાં પણ ખચકાટ નજરે પડે છે.પોલીસ તંત્રમાં વગદારોનું ઉપજે છે. આમ આદમીનું કોઇ નથી એવી જે નકારાત્મક છાપ સમાજમાં ઉભી થાય છે તે લાંબા ગાળે પોલીસ તંત્ર માટે પણ ચિંતાજનક છે. આવા પરસેપ્શનથી લો એન્ડ ઓર્ડર માટે પડકાર વધે છે.
આવા જ સંજોગોમાં પોલીસ મારથી બીજી વ્યકિતનું પણ મૃત્યુ નિપજયુ છે. આ ઘટનાથી ન માત્ર દલિત સમાજમાં પરંતુ સમગ્ર સમાજમાં પોલીસની એક નકારાત્મક છાપ ઉભી થાય છે. ગુનેગાર પોલીસ હોય કે સામાન્ય વ્યકિત બન્ને માટે કાયદાના જુદા કાટલાં કેમ હોય છે ? સામાન્ય કેસમાં પત્રકાર પરિષદ યોજતાં પોલીસ અધિકારીઓ આવા કિસ્સામાં પોલીસની કાર્યવાહીને જસ્ટીફાઇ કેમ નથી થઇ શકતી.
હવે અનેક ગુનાઓમાં પોલીસ તંત્રના કોઇને કોઇ અધિકારી કર્મચારીની સંડોવણી બહાર આવે છે. તાજેતરમાં જ એ ડિવિઝન પોલીસના અધિકારીએ પણ દલિત સમાજના એક કેસમાં સતાનો અતિરેક કર્યાની ફરિયાદો ઉઠી હતી. મારા મારીના બનાવામાં પોલીસની કડક કાર્યવાહિને નકારી ન શકાય. પરંતુ પોલીસ અને ગુનેગાર વચ્ચે પાયાનો ભેદ રહેવો જોઇએ. પોલીસ કમિશ્નરે તેમના અધિકારીઓને આ બાબત સમજાવવાનો સમય આવી ગયો છે. આ કિસ્સામાં પોલીસ અધિકારી ખાસ અવસ્થામાં વિવેક ચુકી ગયા હતાં. રજૂઆત કરવા આવેલી મહિલાઓની હાજરીમાં જે વાણી વર્તન કર્યા હતાં તે કોઇ પોલસ અધિકારી પાસે પોલીસ સ્ટેશનમાં અપેક્ષીત ન હોય. પોલીસ સ્ટેશનમાં આવુ વાણી વર્તન કલ્ચર જોઇને ફરિયાદીઓ હતપ્રભ થઇ જાય છે. પોલીસ વિષે જે અભિપ્રાય પોલીસ સ્ટેશનની બહાર લઇને જાય છે તે ખુબ નકારાત્મક હોય છે. ટોચના અધિકારીઓએ મધ્યમ હરોળના પોલીસ અધિકારીઓને આ માટે અને ફિલ્ડ સ્ટાફ માટે હવે ખાસ મોટિવેશનલ કાઉન્સેલીંગ કરવુ પડે તેમ લાગે છે.
આવા કિસ્સામાં વિકટીમને ન્યાય અપાવવાને બદલે પોલીસ તંત્રના દોષિતોને બચાવવાની જે માનસિકતા વધી રહી છે તેથી આવા કિસ્સામાં વધારો થઇ રહયો છે. ટોચના અધિકારીઓ આવી બાબતોને ચલાવી લ્યે તેથી આવી પ્રવૃતિને પ્રોત્સાહન મળે છે. પ્રજાને શિસ્તમાં રાખવાની સતા ધરાવતાં પોલીસ તંત્રની આંતરિક શિસ્ત ઉપર પણ સ્વવિવેક જરૂરી છે.
પોલીસ તંત્ર ખુબ જ તનાવમાં કામ કરે છે. હાલના સંજોગોમાં ક્ષત્રિય આંદોલન બાદ પોલીસની કામગીરી વધી ગઇ છે. ચૂંટણીના કારણે સભા સરઘસોનો બંદોબસ્ત રાખવાની જવાબદારી પોલીસની મર્યાદિત સ્ટેન્થમાં બજાવવાની હોય છે. ચૂંટણી તંત્રની તૈયારીને પણ પોલીસ તંત્રએ સુરક્ષા આપવાની હોય છે. પોલીસ તંત્ર માટે અનેક પડકારો છે. લોકોની અપેક્ષાઓ અમાપ છે. રાજકોટ પોલીસની કામીગીરી કોરોના સમયે તેના બેસ્ટ ફેસમાં જોવા મળી હતી. લોકો ઘરની બહાર નહોતાં નિકળતાં ત્યારે પોલીસે રસ્તા ઉપર હોસ્પિટલોએ સેવા વિતરણમાં ઉભા રહીને જાનના જોખમે તેમની ફરજ બજાવી હતી. પોલીસનો આ ચહેરો બ્યુટિફુલ હતો. ભારતિય પોલીસ જ આ કામ કરી શકે. રાજકોટ પોલીસનો આ પણ એક સલામી લાયક ચહેરો હતો. પરંતુ પોલીસ તંત્રમાં ફરજ અને હકક ન સમજી શકતાં મુઠઠીભર લોકોએ આ ચહેરાને ધુમીલ કરવાનું કામ કર્યુ છે. પોલીસે આવી બાબતનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઇએ. જયારે તમે પ્રજાને અભય બનાવો છો ત્યારે પ્રજા પણ તમને સલામ કરે છે. જે ગુનેગાર નથી, જે નિર્દોષ છે એ જે કાયદાપ્રિય પ્રજા છે તેને પોલીસમાં મિત્રના દર્શન થવા જોઇએ. ‘ફીટ’ કરી દેવાનું પોલીસમા એક કલ્ચર વિકસ્યુ છે તેને ટોચના અધિકારીઓએ નાબુદ કરવુ જોઇએ. પોલીસની હાજરીથી લોકોને સુરક્ષાની લાગણી અને વિશ્વાસ જન્મવા જોઇએ. નહિ કે ડર અને કાલ્પનિક ભય. સુરક્ષિત પ્રજા જ તેનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ શાંતિના સમયમાં કરી શકે. સમાજમાં નિર્બળને નિર્ભય બનાવવાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે.