- જમાલી પણ ઊભો થઈ ગયો. ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે. પ્રભુ, મને સંયમના ભાવ થયા છે. આપ મને દીક્ષા આપો
ભગવાનને દીક્ષા લીધા પછી સાડાબાર વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કેવલજ્ઞાન પછી સૌપ્રથમ ઋજુવાલુડા નદીના તટ ઉપર સમવસરણની રચના થઈ એ પછી વિવિધ પ્રદેશોમાં વિચરીને પ્રભુએ ઘણો ઉપકાર કરેલો.
એ જ રીતે પ્રભુ પોતાના વતન ક્ષત્રિયકુંડ નગર પધારેલા નંદિવર્ધન (ભગવાનના ભાઈ) સાથે નગરજનો ભગવાનનાં દર્શન કરવા ગયા છે એમની સાથે પ્રભુનાં પોતાનાં દીકરી પ્રિયદર્શના અને જમાઈ જમાલી પણ પ્રભુના દર્શન કરવા ગયાં. દર્શનની સાથે પ્રવચન તો સામાન્ય જ છે.
ભગવાનની દેશનાનો ક્ષાર તો એક જ રહેવાનો સંસાર અસાર છે. સંસારમાં રહેવા જેવું નથી સંસાર બંધન છે. બંધનમુક્ત થવા માટે સંસારત્યાગ કરવો જરૂરી છે અને આવી વાતો ભગવાનની સાંભળીને કેટલાય રાજાઓ, રાજકુમારો ભગવાનની પાસે દીક્ષા લઈને એમના શિષ્ય થવામાં ગૌરવ માનતા હતા.
એ જ રીતે જમાલી પણ ઊભો થઈ ગયો. ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે. પ્રભુ, મને સંયમના ભાવ થયા છે. આપ મને દીક્ષા આપો.
એમની સાથે બીજા પાંચસો રાજકુમારો દીક્ષા લેવા તૈયાર થયા. બધા એક સાથે હાથ જોડીને ઊભા હોય, પતિ જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય અને એ પણ પોતાના પિતા પાસે લેવાની હોય તો પુત્રી શા માટે બાકાત રહે, એ પણ ઊભી થઈ ગઈ. માત્ર એ એકલી નહીં એની સાથે એક હજાર યુવતીઓ દીક્ષા લેવા માટે ઊભી થઈ ગઈ. આપણી કલ્પનામાં પણ આ દૃશ્ય કેટલું મનોહર લાગે!! એક સાથે પંદરસો ભાઈબહેનોને ભગવાને દીક્ષા આપી હશે. એમ તો ભગવાને 4400 મુમુક્ષુઓને એક સાથે દીક્ષા આપેલી.
દીક્ષા લીધા પછી બધા મહાત્માઓને બીજા વૃદ્ધ મુનિઓ પાસે રહીને આરાધનાની વિધિનો અભ્યાસ કરવાનો હોય. અભ્યાસ થઈ ગયા પછી એ પોતાની મેળે આરાધના કરી શકે.
આ બધા પંદરસો મહાત્માઓ વૃદ્ધ-સ્થવિર મુનિઓની પાસે બધી રીતે તૈયાર થઈ ગયા. આ બધાના અગ્રણી પેલા જમાલી મુનિ હતા. એમણે અભ્યાસ પણ સારો કરેલો અને પ્રતિભાસંપન્ન પણ સારા હતા.
એક દિવસ એમણે ભગવાનને વિનંતી કરી. `મારી ભાવના છે મારે અલગ વિચારીને આરાધના કરવી છે આપ આજ્ઞા આપો.’
ભગવાન તો જ્ઞાની હતા. જવાના છે, પણ એમાં એમને લાભ નથી આવું એમના જ્ઞાનમાં દેખાતું હતું તો પછી આજ્ઞા કેવી રીતે આપી શકે? અને જવાનો નિર્ણય તો કરેલો જ છે તો ભગવાન ના પણ કેવી રીતે કહી શકે? એટલે એ તો મૌન રહ્યા.
જમાલીએ એનો મનગમતો અર્થ કરી લીધો. ભગવાનની આ વાતમાં સંમતિ છે. પંદરસો-પાંચસો સાધુ મહાત્મા, એક હજાર સાધ્વીઓનો કાફલો લઈને એ વિચરવા લાગ્યો.
પ્રભુ મહાવીરે જેવા ઉપસર્ગો અને પરિષહોને સહન કરેલા એની એમણે કોપી કરવા માંડી. જોકે, મહાવીર પ્રભુની તોલે તો ક્યાંથી આવી શકે? પણ તપ કરતા અને પારણામાં શુષ્ક પદાર્થ શરીરને આવે. શરીરની પાસે કામ લેવાનું અને એને વળતર ઓછું આપીએ ત્યારે એ પણ આપણી વાતો કેટલીક માનવાનું! પરિણામે શરીર અસ્વસ્થ બન્યું.
એક વખતની ઘટના એવી કે એમનાથી બેસી શકાતું ન હતું. એમના શિષ્યને સૂવા માટેની તૈયારી કરવા કહ્યું. પેલા મહાત્માએ કાર્ય ચાલુ કર્યું, પણ જમાલી મુનિ બેસી શકતા ન હતા. શરીરની અસ્વસ્થતાએ એમને અકળાવી દીધેલા એમણે શિષ્યોને પૂછ્યું, `વ્યવસ્થા થઈ? એમણે કહ્યું થઈ.’
સ્વાભાવિક છે આપણે આવો વાક્યપ્રયોગ કરતાં જ હોઈએ છીએ. કોઈ અમદાવાદથી મુંબઈ તરફ પ્રયાણ કરે અને એના ઘેર કોઈ બાબતે પૂછે, `ચંદુભાઈ છે?’ તો આપણે સ્વાભાવિક જ કહીએ એ મુંબઈ ગયા છે. કદાચ હજુ તો રેલવે સ્ટેશન સુધી જ પહોંચ્યા હોય, પણ આ વ્યવહાર ભાષા છે એ સત્ય જ મનાતી હોય છે.
જમાલી મુનિ ઊભા થઈને જ્યાં તૈયારી ચાલી રહી હતી ત્યાં પહોંચ્યા. તૈયારી તો હતી નહીં. એમને ગુસ્સો આવ્યો, `અસત્ય કેમ બોલ્યા?’
હકીકતમાં શારીરિક અસ્વસ્થતાએ એમના ચિત્તમાં વિક્ષેપ ઊભો કર્યો. ભગવાનથી અલગ રહેતા હતા, પણ હવે માનસિક રીતે પણ અલગ થઈ ગયા. એમની સાથેના મુનિઓને ભગવાનની વચન પદ્ધતિમાં વિશ્વાસ હતો. એને વળગી રહ્યા અને જમાલી મુનિથી અલગ થવા લાગ્યા.
પ્રિયદર્શના સાધ્વીજી ભગવાનની દીકરી-પતિ મુનિની સાથે છે. પેલા મુનિઓને સમજાવે. એમની સેવા-સુશ્રૂષાનું પૂરતું ધ્યાન આપે.
તે દિવસે સાથેના મુનિઓની સાથે થોડી વધારે બહસ થઈ ગઈ. એટલામાં પ્રિયદર્શના સાધ્વીજી આવે છે. એણે જોયું શરીર સાવ શિથિલ થઈ ગયું છે. પોતાની જાતે એ કંઈ કરી શકે એવી સ્થિતિ રહી નથી. તો એમની સેવા કરવા માટે અન્ય મહાત્માઓ પણ ખાસ રહ્યા નથી. એમને ભગવાનની પાસે જવાનું સાચું લાગ્યું.
પ્રિયદર્શનાને પણ એ જ સાચું લાગેલું પણ પતિ મુનિને છોડીને કેવી રીતે જવાય? પણ જ્યારે જમાલી મુનિ પરલોક સિધાવી ગયા ત્યારે એ ભગવાનની પાસે જાય છે. ભગવાન એને આવકારે છે. કહે છે તેં વ્યવહાર ધર્મનું યોગ્ય રીતે જ પાલન કરેલું છે. મુનિની વૈયાવચ્ચ (સેવા) કરવી એ સામાયિક ધર્મ હતો. હવે તારે તારો આત્મિક ધર્મ સમજવો જોઈએ.
આ સ્થિતિમાં આપ મારો સ્વીકાર કરશો? ભગવાનથી અલગ પડેલી હતી અને હવે એ પાછી આવી રહી છે ત્યારે આશંકા થાય એ તો સ્વાભાવિક છે.
ભગવાન પ્રિયદર્શનાને જવાબ આપે છે. સવારનો ભૂલેલો સાંજે પાછો ઘેર આવે ત્યારે એને ભૂલેલો મનાતો નથી. ભગવાનના શ્રમણી સંઘમાં ફરીને ભળ્યા પછી પ્રિયદર્શનાની પ્રસન્નતાનો કોઈ પાર નથી.