મૂળ ભાવનગરના મહુવાના વતની અને ફિનલેન્ડમાં વસેલા જાગૃતિબહેન બેરડિયાએ વિદેશની ધરતી પર ગુજરાતી ગરબાની ઘુમ મચાવી
ગુજરાતી ગરબો હવે ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ વિશ્વ ફલક પર લોકપ્રિય બન્યો છે.વિશ્વના દરેક ખૂણામાં ગરબાની સુવાસ ફેલાયેલી છે.વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિની ઓળખ સમો ગરબો રજૂ થાય અને હાજર રહેલા વિદેશી શ્રોતાઓના તાળીઓના ગડગડાટ થી હોલ ગુંજી ઉઠે તે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે.આ ગરબો એક ગરવી ગુજરાતણ દ્વારા પ્રસ્તુત કરાયો જેને દરેક લોકોએ દિલથી વખાણ્યો.આ વાત છે ફીન લેન્ડમાં યોજાયેલ એક કાર્યક્રમની જેમાં ભારત, નેપાળ, યુક્રેન, ફિનલેન્ડ, રોમાનિયા, ફ્રાંસ સહિત યુરોપના અન્ય દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને જે ગરબા વડે દરેક અભિભૂત થઈ ગયા તે ગરબો રજૂ કરનાર હતા જાગૃતિબહેન કલાપીભાઈ બેરડિયા.
ફિનલેન્ડના લાપલાન્ડ રાજ્યના પાટનગર રોવાનાએમીમાં આંતરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ગરબાએ ધૂમ મચાવી દીધી.જ્યાં વિશ્વના વિવિધ દેશના વિદ્યાર્થીઓ વિવિધ ભાષાનો અભ્યાસ કરે છે તે રોવાનિએમીમાં સ્થિત રોવાલા સ્કુલ દ્વારા તેમના જ એક વિશાળ હોલમાં આ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ફિનલેન્ડ સહિત યુરોપમાં રોવાલા સ્કુલ તેની શૈક્ષણિક, સાસ્કૃતિક અને તેની અન્ય પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ છે. અહીં આયોજિત કાર્યક્રમના મંચ પર પરફોર્મ કરવુ એ દરેક સ્પર્ધક કે પરફોર્મર માટે એક સિદ્ધિ સમાન છે.અહીં વસતા અને ગુજરાતની સંસ્કૃતિની સુવાસ ફેલાવતા જાગૃતિબહેન કલાપીભાઈ બેરડિયા દ્વારા ગુજરાતી ગરબાને એટલી સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા કે લોકો અભિભૂત થઇ ગયા.
જાગૃતિબહેન દ્વારા રજૂ કરેલા ગરબાની ધમાકેદાર રમઝટ બાદ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય અને ગુજરાતની સંસ્કૃતિની એક અનેરી ઝલક જોવા મળી હતી. ગરબાની રજૂઆત બાદ, સમગ્ર હોલ કાર્યક્રમમાં હાજર વિશ્વભરના અનેક દેશોના શ્રોતા અને દર્શકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત, નેપાળ, યુક્રેન, ફિનલેન્ડ, રોમાનિયા, ફ્રાંસ સહિત યુરોપના અન્ય દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિશ્વના અનેક દેશોના શ્રોતા અને દર્શકો તેને જોવા માટે આવ્યા હતા.
જાગૃતિબહેન બેરડિયા મૂળ ભાવનગરના મહુવાના વતની છે અને ફિનલેન્ડમાં ગત વર્ષે જ આવેલા છે. તેઓ ગરબા અને કુચીપુડી ( આંધ્રપ્રદેશનુ લોક નૃત્ય) નૃત્યના જાણકાર છે. ફિનલેન્ડમાં તેઓ ફિનિશ ભાષા શિખવાની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓમાં સમયાંતરે ભાગ લેતા રહે છે અને તક મળે છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિની મહેક વિશ્વ ફલક પર મહેકાવતા રહે છે.