જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર સત્તાવીશ નક્ષત્રોમાંના અઢારમા નક્ષત્રને જ્યેષ્ઠા નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યેષ્ઠા નક્ષત્રને પારસી ભાષામાં કલ્વ અને અંગ્રેજી ભાષામાં Antares તરીકે ઓળખવામાં આવે છે. અવકાશમંડળમાં જ્યેષ્ઠા નક્ષત્ર દક્ષિણ દિશામાં ત્રણ તારાઓના સમૂહથી કુંડળની આકૃતિવાળું દૃશ્યમાન થાય છે. જ્યેષ્ઠા નક્ષત્રને દારુણ નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષની ભાષામાં જ્યેષ્ઠા નક્ષત્ર તિર્યકમુખી નક્ષત્ર તરીકે ઓળખાય છે.
જ્યેષ્ઠા નક્ષત્રના સ્વામી મિત્ર (ઇન્દ્ર) છે તેમજ ગણ દેવગણ તેમજ ગોત્ર પુલત્સ્ય ગોત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યેષ્ઠા નક્ષત્ર દર માસની પૂર્ણિમાના દિવસે થતા આકાશદર્શનથી મધ્ય નક્ષત્ર લાલ તેમજ જૂન માસના મોડી રાતથી ઉદય તેમજ પશ્ચિમ સંધ્યાના અસ્તમાં જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્ર નક્ષત્ર ક્રાંતિવૃત્તિના અંશ પ્રમાણે વૃશ્ચિક રાશિના ચોથા ચરણમાં 226 અંશ 40 કળાથી 240 અંશ 0 કળા સુધી જોવા મળે છે. જાતિની દૃષ્ટિએ જોતાં જ્યેષ્ઠા નક્ષત્ર અવકાશમંડળમાં ત્રણ તારાઓના સમૂહથી કુંડળ આકાર જેવો સ્ત્રી જાતિમાં જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રના સ્વામી ગ્રહ બુધદેવ છે. જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોય તેવી વ્યક્તિઓ લોખંડના પાયામાં એટલે કે અશુભ પાયામાં જન્મ ધારણ કરે છે. જ્યેષ્ઠા નક્ષત્રની યોનિ મૃગ તેમજ વૈરયોનિ હરણ છે.
જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિનો ગણ રાક્ષસ ગણ હોવાથી વર-કન્યાના મેળાપક સમયે ધ્યાન રાખવું અતિ આવશ્યક બને છે. જ્યેષ્ઠા નક્ષત્રની નાડી આદ્ય જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રના રાશિસ્વામી મંગળ, નક્ષત્ર સ્વામી બુધ તેમજ ઇન્દ્ર છે. જ્યેષ્ઠા નક્ષત્ર ચંદ્ર હવેલી હોવાથી જે નક્ષત્ર વૃશ્ચિક નક્ષત્રના તાર સાથે સંકળાયેલ છે. જ્યેષ્ઠા નક્ષત્ર ખાસ કરીને સત્તા અને નેતૃત્વ સાથે સંકળાયેલ હોવાથી પડકારો, અવરોધો તેમજ સંઘર્ષો જેવા જીવનના અનુભવો સાથે સંલગ્ન થયેલ છે.
જ્યેષ્ઠા નક્ષત્રનું પ્રતીક છત્રી હોવાથી જીવનનાં હકારાત્મક લક્ષણોમાં બુદ્ધિશક્તિ, મહત્ત્વાકાંક્ષા, નિશ્ચય, રક્ષણ અને નેતૃત્વનો સમાવેશ જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રની વ્યક્તિ શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવે છે. સામાન્ય રીતે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિ ગંભીર, નિષ્ઠાવાન, સ્વભાવે જિદ્દી તેમજ રમતગમતમાં આગવું સ્થાન ધરાવતા જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રને ગંડમૂળ નક્ષત્રની પણ ઊપમા આપવામાં આવી છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ મોટાભાગે કવિ, પંડિત, પ્રધાન, ધર્માત્મા, કાંતિવાન, પ્રતાપી, યશસ્વી, વૈભવશાળી, ધનવાન, પ્રતિષ્ઠિત, વક્તા, લેખક, કલા-કૌશલ્યમાં પ્રવીણ, તત્ત્વજ્ઞાની, ધૈર્યશાળી તેમજ શૃંગારપ્રિય જોવા મળે છે. સામાન્ય રીતે જોતાં જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મેલ મનુષ્ય પ્રિન્ટિંગ ખાતું, પ્રેસખાતું, કેમિકલ રસાયણ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક સાધનોના વિક્રેતા, સંપાદક, ડોક્ટર, સર્જન, પ્રોવિઝન સ્ટોર ચલાવનાર, કરિયાણાના વેપારી, વીમા એજન્ટ, વાઢકાપનાં સાધનો વેચનાર, ટીવી-રેડિયો રિપેરિંગ કરનાર, ટેલિફોન સેવાખાતું તથા એજન્સી લાઇનમાં જોવા મળે છે.
જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર જ્યેષ્ઠા નક્ષત્ર દરમ્યાન કોર્ટમાં કેસ મૂકવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. યાત્રા-પ્રવાસને સફળ કરવા માટે સોમવારના દિવસે જો જ્યેષ્ઠા નક્ષત્ર આવતું હોય તો તે યાત્રા સફળ રહે છે. જ્યેષ્ઠા નક્ષત્રનો મનુષ્યના શરીરના પેટના નીચેના આંતરિક ભાગ પર, તેમજ મૂત્રમાર્ગ અને મળમાર્ગ પર વધુ અસર જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્ર જે વ્યક્તિની જન્મકુંડળીમાં દૂષિત હોય તો તે વ્યક્તિને મૂત્રમાર્ગની બીમારી, મળમાર્ગની બીમારી તેમજ કિડનીને લગતી બીમારી થઇ શકે છે. જ્યેષ્ઠા નક્ષત્ર દરમ્યાન જો નવા વસ્ત્રની શરૂઆત કરવામાં આવે તો તે નુકસાનકારક ગણાય છે. જ્યેષ્ઠા નક્ષત્રનું તત્ત્વ જળતત્ત્વ, વશ્ય કિટ, નક્ષત્ર દેવતા ઇન્દ્ર તેમજ પંચશલા વેધ પુષ્પ ગણવામાં આવે છે. જ્યેષ્ઠા નક્ષત્ર દોષનાં લક્ષણોમાં ગરમીના રોગો, પિત્તના રોગો, એસિડિટી, બેચેની તેમજ તાવની તકલીફ વારંવાર જોવા મળે છે.
જ્યેષ્ઠા નક્ષત્ર દોષમાં રાહત મેળવવા માટે તલ, ભૂરા રંગનાં કપડાંનું દાન કરવું લાભદાયી નીવડે છે. જો કોઇ વ્યક્તિએ યજ્ઞ કરવો હોય તો હોમ દ્રવ્યમાં ઘીયુક્ત તલ અને ચોખાથી આહુતિ આપવામાં આવે છે. નક્ષત્રોના ચરણાક્ષર મુજબ જ્યેષ્ઠા નક્ષત્રના ચાર ચરણમાં અલગ અલગ અક્ષરો પ્રમાણે બાળકનું નામ રાખવાથી લાભ જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રના પહેલા ચરણમાં (નો), બીજા ચરણમાં (યા), ત્રીજા ચરણમાં (યી) અને ચોથા ચરણમાં (પૂ) આ નામક્ષરો પર નામ રાખવાથી બાળકને વધુ લાભ જોવા મળી શકે છે. નક્ષત્રોના સૂર્યોના લાભાંકની સંખ્યા મુજબ દર્શન કરતાં જ્યેષ્ઠા નક્ષત્રની સંખ્યા 1 ગણવામાં આવે છે.
સર્વતોભદ્ર ચક્ર વેધમંડળના કથન અનુસાર અવકાશમાં જ્યેષ્ઠા નક્ષત્રની સંમુખ પુષ્ય નક્ષત્ર, ડાબી બાજુ અશ્વિની નક્ષત્ર તેમજ જમણી બાજુ સ્વાતિ નક્ષત્ર જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રના ત્રણ ચરણ દૂષિત તેમજ ચોથું ચરણ શુભ ગણવામાં આવે છે. જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રના પહેલા ચરણમાં થયો હોય તેમને મોટાભાઇને કષ્ટ, બીજા ચરણમાં હોય તેમને પિતાને કષ્ટ, ત્રીજા ચરણમાં થયો હોય તેમને માતાને કષ્ટ તેમજ ચોથા ચરણમાં થયો હોય તેમને આર્થિક લાભ જોવા મળે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં જ્યેષ્ઠા નક્ષત્ર દોષ બનેલ હોય તો તેમણે વૈદિક પદ્ધતિ અનુસાર ॥ ૐ ત્રાતારભિદ્રમ વિતાર મિન્દ્ર હવે હવે સુધ્વશૂરભિન્દમ્, હયામિ શક્રં પુસદંતાભિન્દ્ર સ્વસ્તિનો મધવા ધાત્વિવન્દ્ર: ॥ ॥ ૐ શુક્રાય નમ: ॥ – વૈદિક મંત્રના દસ હજારની સંખ્યામાં જાપ કરવા.
જ્યેષ્ઠા નક્ષત્રનાં ચાર ચરણ
પ્રથમ ચરણ : જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રના પ્રથમ ચરણમાં થયો છે, તે વ્યક્તિ ચંદ્ર ગ્રહના પ્રભુત્વ હેઠળ આવે છે. આવી વ્યક્તિઓ બુદ્ધિશાળી, ચતુરાઇથી ધન કમાવનાર, વ્યવહારકુશળ અને મૃદુભાષી સ્વભાવના હોય છે.
બીજું ચરણ : જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રના બીજા ચરણમાં થયો છે, તે વ્યક્તિ મંગળ ગ્રહના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવી વ્યક્તિઓ સાહસિક, નીડર તેમજ સામાજિક કાર્યકર્તા હોય છે.
ત્રીજું ચરણ : જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રના ત્રીજા ચરણમાં થયો છે તે વ્યક્તિ શુક્ર ગ્રહના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવી વ્યક્તિઓ પ્રબળ વિચારશક્તિ, કલાપ્રેમી, ભોજનમાં વધુ રુચિ ધરાવનાર તેમજ કુશળ વેપારી જોવા મળે છે.
ચોથું ચરણ : જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રના ચોથા ચરણમાં થયો છે, તે વ્યક્તિ બુધ ગ્રહના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવી વ્યક્તિઓ ચંચળ સ્વભાવવાળી, વડીલોની સેવા કરવાવાળી, ગુરુજનોનું સન્માન કરવાવાળી, ધર્મશીલ, દરેક કાર્યને પૂર્ણ કરવાવાળી જોવા મળે છે.
ઉપાયો
વિષ્ણુસહસ્ત્ર નામનો ત્રણ વાર પાઠ કરવો.
જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવવી જોઇએ.
દુર્ગા સપ્તસતીનું અનુષ્ઠાન કરાવવું જોઇએ.
શિવ પંચાક્ષર મંત્ર (ૐ નમ: શિવાય)ની અગિયાર માળા રુદ્રાક્ષની માળા પર કરવી જોઇએ.
સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ.
દુર્ગા ચાલીસાનો સાત વાર પાઠ કરવો જોઇએ.
રુદ્રાભિષેક કરવો.
હનુમાનજીના મંદિરે જઇ ॥ ૐ હં હનુમંતાય નમ:॥ આ મંત્રની અગિયાર માળા કરવી.
ભગવાન શિવજીના મંદિરે જઇ શિવલિંગને સ્પર્શ કરાવીને સાત જાતનાં ધાન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાં.
કોઇ પણ બ્રાહ્મણને સીધુ તેમજ વસ્ત્રદાન દક્ષિણા સહિત અર્પણ કરવું.
નવ વર્ષથી નાની સાત કન્યાઓને ખીર, પૂરીનું ભોજન કરાવવું.
માછલીઓને સાકર મિશ્રિત લોટની ગોટી બનાવીને ખવડાવવી.
કાગડાઓને ચણ નાખવું.
ભગવાન શ્રી હરિ વિષ્ણુના ॥ ૐ નમો ભગવતે વાસુદેવાય ॥ મંત્રની ત્રણ માળા કરવી.
ભૈરવ દાદાને ખીરનું નૈવેદ્ય ધરાવવું.
હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો.
ભગવાન શ્રી ગણેશના મંદિરે જઇને ॥ ૐ ગં ગણપતયે નમ: ॥ મંત્રની આઠ વાર માળા કરવી.
શ્રીમદ ભાગવતનો દશમ સ્કંધનો પાઠ કરવો.
શ્રીમદ ભગવદ્ગીતાના બારમા તેમજ પંદરમા અધ્યાયનું પઠન કરવું.
શ્રી સૂક્તમનો ત્રણ વાર પાઠ કરવો.