દુનિયાભરના ઘણા દેશોમાં કાળભૈરવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દેશોમાં શ્રીલંકા, નેપાળ, તિબેટ અને અન્ય કેટલાક દેશોનો સમાવેશ થાય છે. કાળભૈરવને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી પણ પૂજવામાં આવે છે.
ભારતના મહારાષ્ટ્રમાં ખંડોબા નામથી તેમની પૂજા-અર્ચના થાય છે, તો દક્ષિણ ભારતમાં ભૈરવજીને શાશ્તા કહેવાય છે. ત્યાં તેમને શાશ્તા નામે પૂજવામાં આવે છે, પરંતુ આ બધી બાબતોમાં એક સામ્યતા સરખી જોવા મળે છે. તેમને કાળના સ્વામી અને ઉગ્ર દેવતા તરીકે પૂજવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે કાળભૈરવને ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. પુરાણોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જે શ્રદ્ધાળુ કાળભૈરવની પૂજા કરે છે, તેમને અકાળ મૃત્યુ, રોગ, દોષ વગેરેનો કોઇ જ ડર સતાવતો નથી.
કાળભૈરવની કથા
કાળભૈરવનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવેલો છે. શિવપુરાણમાં જણાવ્યા પ્રમાણે એક દિવસ ત્રિદેવ એટલે કે, સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહેશમાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જેમાં બ્રહ્માજીએ શિવજીની નિંદા કરી હતી. શિવજીની નિંદા થતાં જ તેઓ ભયંકર રીતે ક્રોધિત થયા હતા અને ત્યારે તેમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ રૌદ્ર સ્વરૂપથી કાળભૈરવનો જન્મ થયો હતો. આ કાળભૈરવે પોતાના અપમાનનો બદલો લેવા બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું હતું. આમ કરવાથી કાળભૈરવને બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો હતો. બ્રહ્મહત્યાનું પાપ લાગતાં કાળભૈરવને શિવજીએ પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું હતું. આથી કાળભૈરવે પ્રાયશ્ચિત્ત કરવા માટે ત્રણેય લોકોનું ભ્રમણ કર્યું, પરંતુ કાશી પહોંચ્યા બાદ તેઓ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઇ શક્યા હતા, તેથી જ કાળભૈરવ કાશીમાં જ સ્થાયી થઇ ગયા હતા. તેમને ત્યાં કાશીના કોટવાલ તરીકે પૂજવામાં આવે છે. ભારતમાં તેમનાં કેટલાંક પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે, જ્યાં બારેમાસ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે.
કાળભૈરવ મંદિર, ઉજ્જૈન
ઉજ્જૈનમાં આવેલું આ કાળભૈરવ મંદિર ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવગઢ વિસ્તારમાં આવેલું છે. આ સ્થાન ભૈરવગઢ નામે વિશેષ રીતે પ્રસિદ્ધ છે. કાળભૈરવનું આ મંદિર ઊંચા ટેકરા પર આવેલું છે, જેની ચારેય તરફ મોટી દીવાલ આવેલી છે. આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે, આ મંદિરનો જીર્ણોદ્ધાર અંદાજિત એક વર્ષ પહેલાં પરમાર કાલીન રાજાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ઉજ્જૈનના આ મંદિરના નિર્માણ માટે ખાસ પ્રકારના મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી આજે પણ આ મંદિર મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. નોંધનીય છે કે, અહીં કાળભૈરવની પ્રતિમાને સિંધિયા પાઘડી પહેરાવવામાં આવે છે, જે ગ્વાલિયરના સિંધિયા પરિવાર તરફથી આવે છે. કાળભૈરવને પાઘડી પહેરાવવાની આ પરંપરા અનેક વર્ષોથી ચાલી આવી છે. અહીં મોટી સંખ્યામાં ભારતભરમાંથી અને વિદેશથી શ્રદ્ધાળુઓ કાળભૈરવના આશીર્વાદ લેવા આવે છે. અહીં ખાસ કરીને રવિવારે ભારતભરના ભક્તો આવે છે. રવિવારે અહીં ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે.
બટુક ભૈરવ મંદિર, નવી દિલ્લી
મહાભારત યુગમાં પાંડવો દ્વારા નિર્મિત આ મંદિર નવી દિલ્લીના વિનય માર્ગ પર આવેલા નહેરુ પાર્કમાં આવેલું છે. બટુક ભૈરવનું આ મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે. અહીં બટુક ભૈરવની પ્રતિમા વિશેષ પ્રકારથી એક કૂવા પર બિરાજમાન કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, ઘણા લાંબા સમયથી આ મંદિરમાં એક છિદ્ર દ્વારા પૂજા-પાઠ અને ભૈરવસ્નાન માટેનું તમામ જળ આ કૂવામાં જાય છે અને હજી સુધી પણ આ કૂવો ભરાયો નથી! જેને શ્રદ્ધાળુઓ બટુક ભૈરવનાથની લીલા કહી રહ્યા છે. અહીં રવિવારના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, કારણ કે રવિવારનો દિવસ કાળભૈરવનો માનવામાં આવે છે.
ઘોડાખાડ (નૈનીતાલ) બટુક ભૈરવ મંદિર
નૈનીતાલમાં આવેલા આ મંદિરને ગોલુ દેવતાના મંદિર તરીકે પણ પૂજવામાં આવે છે. નૈનીતાલના વિશાળ પહાડો પર આવેલા આ મંદિરની પ્રતિમાં શ્વેત અને ગોળ હોવાથી તેને ગોલુ દેવતા તરીકે શ્રદ્ધાળુઓ પૂજે છે. અહીં મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ તેમને નાની-મોટી પિત્તળની ઘંટડીઓ અર્પણ કરે છે અને તેઓ બટુક ભૈરવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
કાળભૈરવ મંદિર, કાશી
ભગવાન શિવની નગરી તરીકે કાશી વિશેષ ઓળખાય છે. અહીં આવેલાં મંદિરોમાં બારેમાસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. વારાણસીમાં કાળભૈરવને કોટવાલ એટલે કે ઉપર જણાવ્યું તેમ કાશીના કોટવાલ તરીકે વિશેષ રીતે પૂજવામાં આવે છે. વિશ્વનાથ મંદિરથી અંદાજિત બે-ત્રણ કિ.મી. દૂર ભગવાન ભૈરવનાથનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપત્ય કલા, કોતરણી અને બાંધકામ આજે પણ આકર્ષક લાગે છે. આ મંદિરના ગર્ભગૃહમાં કાળભૈરવની પ્રતિમા બિરાજમાન છે, જેને હંમેશાં વસ્ત્રથી ઢાંકવામાં આવે છે. તેમની સમગ્ર પ્રતિમાનાં દર્શન ભાગ્યે જ કોઇક કરી શકે છે, પરંતુ તેમના મુખારવિંદનાં દર્શન સૌ કોઇ શ્રદ્ધાળુ કરી શકે છે. કાશીના કાળભૈરવનું માહાત્મ્ય એટલું બધું છે કે, જે અહીંયાં ગંગાસ્નાન તેમજ વિશ્વનાથ દર્શન કર્યા બાદ કાશીનાં દર્શન નથી કરતું તેને ભગવાન વિશ્વનાથના દર્શનનું સુખરૂપ ફળ પ્રાપ્ત થતું નથી. આ મંદિરની બહાર તમને કૂતરાંઓ જોવા મળશે. આ કૂતરાંઓને શ્રદ્ધાળુઓ ખાવાનું ખવડાવતા હોય છે. હકીકતમાં કાળભૈરવના વાહન તરીકે કૂતરાનો સમાવેશ થાય છે.