રાજકોટમાં યોગ શિક્ષકો તૈયાર કરવા તેમજ યોગ દ્વારા સ્વસ્થ જીવન આપવામાં ગીતાબેન સોજીત્રાનો ફાળો મહત્વનો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
રાજકોટ મહાનગર પાલિકાના વેસ્ટ ઝોનના કોર્ડી નેટર અને પતંજલિ મહિલા સેવા સમિતિ રાજકોટ જિલ્લાના મહામંત્રી છે ગીતાબેન સોજીત્રા
આજે વિશ્વ યોગ દિવસ છે. દેશ વિદેશમાં યોગ લોકપ્રિય છે. યોગના ગણિત ફાયદા છે એ સહુ જાણે છે. છેલ્લા થોડા સમયથી યોગ,ધ્યાન પ્રાણાયામનું પ્રચલન ખૂબ વધ્યું છે. યોગનો પ્રચાર દરેકે દરેક ઘર ઘર અને જન-જન સુધી પહોંચે તે માટે અનેક યોગ પ્રશિક્ષકો યોગનું જ્ઞાન આપી રહ્યા છે.આવા જ એક યોગને સમર્પિત યોગ એક્સપર્ટ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
રાજકોટ મહાનગર પાલિકાના વેસ્ટ ઝોનના કોર્ડી નેટર ગીતાબેન સોજીત્રા.અનેક સંઘર્ષો પાર કરી યોગ દ્વારા આજે સ્વસ્થ,સંતોષી અને સુખ શાંતિ વાળું જીવન જીવી રહ્યા છે.
યોગની પોતાની યાત્રા વિશે ગીતાબેને જણાવ્યું કે આઠમા ધોરણમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહમાં ભણતી ત્યારથી જ સ્ટેજ પર યોગ કરતી. ધોરણ 12 બાદ લગ્ન થયા અને પારિવારિક જવાબદારી ના કારણે યોગ કરવાનું શક્ય ન બન્યું પરંતુ ત્યારબાદ 2008માં યોગ પ્રશિક્ષક કિશોરભાઈ પઢીયાર પાસે યોગની તાલીમ લીધી. 2014 માં સોમનાથ યુનિવર્સિટીમાં ડિપ્લોમા તેમજ 2015માં આરપીએલ તેમજ 2018 માં હરિદ્વાર ખાતે રામદેવજી મહારાજ પાસેથી યોગ શિક્ષકની તાલીમ લીધી. 45 દિવસમાં 22 કિલો વજન ઉતાર્યું છે.એક વર્ષ સુધી આહાર નિયંત્રણ બાદ આજે પણ આ વજન જાળવી રાખ્યું છે.
યોગ સાધનામાં રત તેઓ સવારે 4:30 વાગ્યે ઊઠી જાય છે. આજે પણ મિતાહર લે છે.પાણી પીવાના નિયમોનું પાલન કરે છે અને જવાબદારી, કુશળતા પૂર્વક,સમત્વ ભાવ રાખીને બધાને સાથે રાખીને કામ કરે છે.2019 થી પતંજલિ મહિલા સેવા સમિતિ માં રાજકોટ જિલ્લાના મહામંત્રી છે.
યોગની ટ્રેનિંગ લીધા બાદ કોઠારીયા રોડ ઉપર યોગ ક્લાસ શરૂ કર્યા.અનેક યોગ પ્રશિક્ષક પણ તૈયાર કર્યા.YCB લેવલ 1 અને 2 કર્યું હાલમાં 3 લેવલની તૈયારી કરી રહ્યા છે.21 જૂન 2019 માં ગુજરાત યોગ બોર્ડની સ્થાપના થઈ ત્યારે તેમાં જોડાઈને વિશ્વ યોગ દિવસના ટીચર ટ્રેનિંગ કોર્સ કર્યો.કોરોનામા પણ યોગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખી.
“કર્મેશું કૌશલમ યોગ”ને જીવનમાં ઉતાર્યું
અહી સુધી પહોંચવામાં તેઓને અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.લગ્ન બાદ પતિની નોકરી છૂટી ગઈ,સાસુની માંદગી,સસરાને પેરેલીસીસ, જેઠ તથા નણંદ માનસિક રીતે બીમાર હતા. બધાના સંતાનોને પરણાવવાની જવાબદારી તેમજ આર્થિક રીતે પગભર કરી બધા જ પ્રસંગો પાર પાડ્યા પોતાનામાં પહેલેથી જ સેવાનો ભાવ હોવાથી બીજાનું દુઃખ જોઈ શકતા નથી તેથી સાસરા પક્ષમાં પણ અનેક બેન દીકરીઓને પરણાવીને સેટ કર્યા.2013 માં પટેલ સમાજમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી જેમાં જરૂરિયાત મંદ 120 બહેનોને ફલાઇટમાં હરિદ્વાર ની યાત્રા કરાવી.
સેવા લોહીમાં ભળેલી છે.કર્મેશું કૌશલમ યોગને બરાબર જીવી જાણ્યા છે.
યોગ બનાવે છે મહિલાઓને આત્મ નિર્ભર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 100 કલાકની બે મહિના દરમિયાન ની ટ્રેનિંગ બાદ યોગ પ્રશિક્ષક તૈયાર થાય છે.અત્યાર સુધીમાં 1500 જેટલા યોગ શિક્ષકો તૈયાર કર્યા છે.રાજકોટમાં 388 ક્લાસ ચાલે છે જેમાં 65 ક્લાસમાં ગીતાબેન દ્વારા તૈયાર થયેલા શિક્ષકો છે.તેઓએ જણાવ્યું કે અંદરના અને બહારના પ્રશ્નોનો ઉકેલ યોગ દ્વારા જ મળી શકે છે. સમગ્ર ગુજરાતમાં 5000 જેટલા પ્રશિક્ષકો છે જેમાં 90 ટકા મહિલાઓ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત દ્વારા
1,30,000 ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે અને ઘર ઘર યોગ પહોચાડવા 20 લાખ થી વધુ લોકોને યોગનું જ્ઞાન આપ્યું છે.
યોગ દ્વારા થાય છે સ્વસ્થ જીવનની પ્રાપ્તિ
યોગની મહત્તા દર્શાવતા ગીતાબેને જણાવ્યું કે યોગ દ્વારા પાંચ જ્ઞાનેન્દ્રિય ,પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન છે જેના ઉપર કાબૂ મેળવી શકાય છે.એક મહિલા રોજની 10 ઊંઘની ગોળી લેતા.ઘણા ઉપાયો કર્યા અંતે તેને પ્રાણાયમ કરાવ્યા મનને આસન દ્વારા સ્થિર કરાવ્યું તેની 15 દિવસ પછી ગોળી બંધ થઈ ગઈ આ રીતે અનેક અસાધ્ય રોગો દૂર થયાના દાખલા છે.
મહિલાઓ યોગ કરે તે જરૂરી
મહિલાઓ યોગ કરે તે ખૂબ જરૂરી છે કારણ કે મોટાભાગની શક્તિ મળે છે તે કામમાં અને આહાર પચાવવામાં જતી રહે છે સાંજ પડ્યે મહિલા થકી જતી હોય છે. દિવસનો 80 ટકા સમય પરિવારની જવાબદારીમાં જતો રહે છે.બાકીના 20 ટકા માં ફક્ત યોગ કરો તેના દ્વારા તમારા શારીરિક તકલીફો દૂર થશે. જો દિવસના એક કલાક યોગ કરશો તો પરમ પિતા પરમેશ્વરની ખૂબ કૃપા રહેશે.પોતાના માટે જીવો.સફળતા મળે તો અભિમાન ન કરો.