-
મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ દ્વારા મા ખોડલના પોંખણાં
-
અમરેલીમાં 2024ના રોજ ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગઇકાલથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થયો છે. ખોડલધામ ટ્રસ્ટ – કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ છે. કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞથી મા ખોડલના પોંખણાં કરાયા હતા.
પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રા પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટના અમરેલી ગામ પાસે નિર્માણ પામનાર અદ્યતન કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન આગામી તારીખ 21 જાન્યુઆરી 2024ના શુભ દિવસે કરવાની જાહેરાત નરેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. નરેશ પટેલે જણાવયું કે, આગામી 21 જાન્યુઆરી એટલે કે ખોડલધામ મંદિરના પાટોત્સવની તારીખે ખોડલધામ મંદિર પરિસરમાં કેન્સર હોસ્સ્પટલના ભૂમિપૂજનનો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાશે અને અમરેલી ગામ પાસે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. નરેશ પટેલની આ જાહેરાતને હાજર સૌ કોઈએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી હતી. સાથે જ આગામી 22 ઓક્ટોબર 2023 ને આઠમા નોરતે પાટણ જિલ્લાના સંડેર ગામે નિર્માણ પામનાર ખોડલધામ સંકુલના ભૂમિપૂજનની પણ માહિતી નરેશ પટેલે આપી હતી. સાથે નરેશ પટેલે નવરાત્રિ પર્વની સૌને શુભકામના પાઠવી હતી અને મા ખોડલ સૌને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે અને રાષ્ટ્ર ઉપયોગી કર્યો કરવાની વધુ ને વધુ શક્તિ પ્રદાન કરે તેવી પ્રથમ નોરતે મા ખોડલને પ્રાર્થના કરી હતી.
પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રીમાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. ગઇકાલે સવારે 7:30 કલાકે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેશ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામે પ્રાથમિક શાળામાં નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ દીપ પ્રાગટય કર્યું હતું. સંબોધન બાદ નરેશ પટેલ દ્વારા રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી.
આરતી પૂર્ણ થતાં જ નરેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવયું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા. પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શિશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવયું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવયો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વયવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સદહતની વયવસ્થા સારી રીતે સંભાળી હતી.
આ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ લિગલ સમિતિ, ખોડલધામ શિક્ષણ પાંખ, અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ લેઉવા પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે.