વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે કુવૈતના પ્રવાસે છે. અહીં તેમણે પ્રવાસી ભારતીયોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, તમને જોઈને એવું લાગે છે, જાણે મારી સામે મિની હિંદુસ્તાન ઊમટી આવ્યું છે. જેમાં દરેક ક્ષેત્રના લોકો મારી સામે છે, પરંતુ બધાંનાં દિલમાં એક જ ગુંજ છે – ભારત માતાની જય. વડાપ્રધાને કહ્યું, આજની આ પળ અંગત રીતે મારા માટે ખાસ છે, કેમ કે 43 વર્ષ પછી એટલે કે ચાર દાયકા કરતાં વધારે સમય પછી ભારતના કોઈ વડાપ્રધાન કુવૈત આવ્યા છે. તમારે ભારતથી અહીં આવવું હોય તો માત્ર ચાર કલાક થાય છે, પરંતુ કોઈ પીએમને અહીં આવવામાં ચાર દાયકા થઈ ગયા.
પીએમ મોદીએ કહ્યું કે તમારામાંથી કેટલાય લોકો પેઢીઓથી કુવૈતમાં રહે છે, કેટલાકનો જન્મ અહીં થયો છે. તમે કુવૈતના સમાજમાં ભારતીયતાનો તડકો’ લગાવ્યો છે. તમે કુવૈતના કેન્વાસ પર ભારતીયતાનો રંગ ભર્યો છે. વડાપ્રધાને કહ્યું, તમારામાંથી જે ટીચર્સ છે, તેઓ કુવૈતની આગામી પેઢીને મજબૂત કરે છે, જે આર્કિટેક્ટ છે તેઓ કુવૈતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે. જ્યારે પણ હું કુવૈતની લીડરશિપ સાથે વાત કરું છું ત્યારે તેઓ તમારાં ખૂબ વખાણ કરે છે.
નાનાં ગામો ડિજિટલનો પ્રયોગ કરે છે
વડાપ્રધાને કહ્યું, આજે નાનાં નાનાં ગામોમાં પણ ડિજિટલના પ્રયોગ થઈ રહ્યો છે. આજે ડિજિટલ લક્ઝરી નથી, જીવનમાં સામેલ થઈ ગયું છે. ડોક્યુમેન્ટ્સ રાખવા ડિજિલોકર છે. ટોલ પર સમય બચાવવા ફાસ્ટેગ છે. ભારત ડિજિટલી સ્માર્ટ બની રહ્યું છે. હજુ તો આ શરૂઆત છે. ભવિષ્યનું ભારત દુનિયાને દિશા આપશે, દુનિયાના વિકાસનું હબ, દુનિયાનું ગ્રોથ એન્જિન હશે.
ગલ્ફ સ્પાઇક લેબર કેમ્પની મુલાકાત લીધી
કુવૈત પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગલ્ફ સ્પાઇક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી. આ કેમ્પમાં 90 ટકાથી વધારે ભારતીય સમુદાયના લોકો છે. વડાપ્રધાને અહીં ભારતીયો સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદી આ પહેલા પણ ખાડી દેશોના પ્રવાસ દરમિયાન વિવિધ દેશોમાં આવેલા લેબર કેમ્પની મુલાકાત લઇને અહીં કામ કરતા ભારતીય લોકો સાથે સંવાદ કરતા રહ્યા છે.