સુરતની ઘટનાના પગલે રાજકોટમાં કોમી સૌહાર્દ જાળવી રાખવા માટે થશે મહત્વના નિર્ણયો
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ ગુજરાતમાં કોમી શાંતિ ડહોળાઇ નહી તે માટે રાજય સરકાર દ્વારા તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે. તે અનુસંધાને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ગઇકાલે હિન્દુ સમાજના આગેવાનો તથા ગણપતિ પંડાલના આયોજકોની એક બેઠક યોજવામાં આવી હતી. આ જ રીતે આગામી ૧૬મી તારીખે ઇદ-એ-મિલાદનો તહેવાર હોવાથી મુસ્લિમ સમાજ આ તહેવારની ઉજવણી કોમી સૌહાર્દ વચ્ચે કરે તે માટે મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક યોજાનાર છે.
દરમિયાનમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓની એક બેઠક આજે રાત્રે ૯:3૦ કલાકે જમાલશા કમાલશાપીરની દરગાહ, ગવલીવાડ, સદર ખાતે યોજાનાર છે. જેમાં તમામ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ૧૬મી તારીખે યોજાનાર ઇદના ઝુલૂસની રૂપરેખા આ બેઠકમાં નક્કી થશે. એટલું જ નહીં કોમી સૌહાર્દ જળવાઇ રહે તે માટે ઝુલૂસના રૂટ અને અન્ય આયોજનોનું સમય પત્રક પણ નક્કી થશે. જેથી ગણપતિ ઉત્સવને કોઇ વિક્ષેપ ન પડે અને ઝુલૂસ નીકળે તેવું આયોજન વિચારણા હેઠળ લેવાશે.