‘ભદ્રંભદ્ર’ ગુજરાતી સાહિત્યની પ્રથમ સળંગસૂત્ર હાસ્યકથા છે, તેમાં રમણભાઇએ પ્રાચીન પરંપરાના રૂઢિચુસ્ત અનુયાયીઓ અને અતિ સંસ્કૃતમય શૈલીમાં આગ્રહીઓનો ઉપહાસ કર્યો છે
રમણભાઇ મહિપતરામ નીલકંઠ પંડિતયુગના અગ્રણી સાહિત્યકાર. તેમના સાહિત્યમાં કોઇક ને કોઇક રૂપે તેમની સુધારક તરીકેની દ્રષ્ટિનો પરિચય મળી રહે છે. તેમણે ગુજરાતી ભાષામાં હાસ્યરસની પ્રથમ નવલકથા ‘ભદ્રંભદ્ર’ આપી. ‘હાસ્યમંદિર’ પત્ની વિદ્યાગૌરી સાથેના સહલેખનમાં પ્રકટ થયેલા હાસ્ય લેખોનો સંગ્રહ છે. ‘રાઇનો પર્વત’ તેમની પાસેથી ગુજરાતીના સાહિત્યને મળેલું મહત્ત્વપૂર્ણ નાટક છે. તેમણે ‘કવિતા અને સાહિત્ય’ના ત્રણ ભાગો દ્વારા વિવેચન ક્ષેત્રે પણ નોંધપાત્ર અર્પણ કર્યું છે. ‘જ્ઞાનસુધા’ના સંપાદન દ્વારા પંડિતયુગમાં તેમણે સાહિત્ય અને સંસાર સુધારણાના અનેક પ્રશ્નોને પોતાની રીતે છણ્યા ચર્ચ્યા હતા. આ સિવાયનાં કવિતા-વાર્તાક્ષેત્ર પણ તેમનો ફાળો રહ્યો હતો.
ઇ.સ.૧૯૦૦માં લખાયેલી કૃતિ ‘ભદ્રંભદ્ર’ ગુજરાતી સાહિત્યની પ્રથમ સળંગસૂત્ર હાસ્યકથા છે. તેમાં રમણભાઇએ પ્રાચીન પરંપરાના રૂઢિચુસ્ત અનુયાયીઓ અને અતિ સંસ્કૃતમય શૈલીમાં આગ્રહીઓનો ઉપહાસ કર્યો છે. આ પ્રકરણમાં મુંબઇના માધવબાગની ધર્મસભામાં સનાતન ધર્મનો પ્રચાર કરવા જઇ રહેલા ભદ્રંભદ્ર અને એના સાથે અંબાલાલને આગગાડીની મુસાફરી દરમિયાન થયેલા વિચિત્ર અનુભવ રજૂ થયા છે. લેખકનો આશય વેદધર્મને કે સંસ્કૃત ભાષાને ઉતારી પાડવાનો નથી પણ પ્રાચીનતા પ્રત્યેના અનુચિત આગ્રહ અને વિવેકહીન ધાર્મિક આવેશની મજાક કરવાનો છે. તેથી પ્રસંગ, પાત્રો, વર્ણનો અને સંવાદોની યોજનામાં સતત હાસ્યરસનો અનુભવ થાય છે. કથાને અંબારામના મુખે અહેવાલરૂપે રજૂ કરવામાં રચનાકૌશલ પણ દેખાય છે.
વર્ગખંડમાં તો આ નિબંધથી અમે આગગાડીના અનુભવો કર્યાં હતા લેખકના વર્ણન થકી. આપને પણ થોડી અનુભૂતિ કરાવું છું.
જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતા ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતા મને કહે કે, ‘અંબારામ ! આજનો દિવસ મોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીઅે. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે ? કંસના કાર્ય આરંભતાં શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે ? કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે ? ’